અમદાવાદ: ક્લાર્ક દ્વારા પ્રિન્સીપાલની બોગસ સહી કરી 3.21 કરોડની ઉચાપત
01, ફેબ્રુઆરી 2021

અમદાવાદ-

શહેરની સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલે મહિલા ક્લાર્ક સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં આક્ષેપ કરાયો છે કે અગાઉના પ્રિન્સીપાલની ખોટી સહીઓ કરી સ્કૂલની ફી અને અન્ય નાણાં મળી ૩.૨૧ કરોડ રૂપિયા મનીષા નામની મહિલા ક્લાર્કએ ઉચાપત કરી હતી. સમગ્ર મામલે ઓડિટ દરમિયાન આ કૌભાંડ સામે આવતા હવે યુનિવર્સિટી પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના નારણપુરામાં રહેતા ફાધર ઝેવીયર અમલરાજ સેન્ટ ઝેવિયર્સ લોયલા સ્કૂલના પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવે છે. તેમની સ્કૂલમાં ૨૧ વર્ષથી મનીષા વસાવા નામની મહિલા કામ કરે છે. જે ૧૫ વર્ષથી એકાઉન્ટન્ટ તરીકે કામ કરે છે.વર્ષના અંતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આવીને ઓડિટ કરતા હોવાથી પ્રિન્સીપાલે તમામ ચેકબુક, પાસબુક અને હિસાબો મનીષા બહેનને લાવવા જણાવ્યું હતું. વારંવાર જણાવવા છતાંય મનિશાબહેને હિસાબો આપ્યા ન હતા અને મંજૂરી વગર જ તેઓ ગેરહાજર રહેવા લાગ્યા હતા.

જેથી શાળાના અન્ય ક્લાર્ક દ્વારા સી.એ. ને હિસાબો આપવામાં આવ્યા હતા. મનિશાબહેન ગેરહાજર રહેતા અને તેઓની વર્તણુક પરથી કઈક ગેરરીતિ થઈ હોવાની સંચાલકોને શંકા ગઈ હતી. બાદમાં તપાસ કરી તો શાળાનું જે બેંકમાં એકાઉન્ટ હતું તેમાં અનેક ક્રેડિટ ટ્રાન્ઝેકશન થયા હોવાનું સામે આવ્યું હતું.મનીષા વસાવાએ શાળાના ડિડક્શન એકાઉન્ટમાંથી અમુક રકમ ચેકથી તથા અમુક રકમ આરટીજીએસથી ટ્રાન્સફર કરી હોવાનું સામે આવ્યું હતું. જે તે સમયે પ્રિન્સીપાલ ચાર્લ્સ અરુલદાસ હોવાથી તેઓને આ રકમો બાબતે પૂછતાં ચેકબુક મનીષા પાસે રહેતી હોવાનું સામે આવ્યું હતું અને ચેકબુકથી પૈસા ટ્રાન્સફર થયા હોવાથી સહીઓ બાબતે ચાર્લ્સ અરુલદાસને પૂછતાં તેઓએ કોઈ સહીઓ ન કરી હોવાનું જણાવ્યું હતું. આમ ક્લાર્ક મનીષા એ ૩,૨૧,૦૯,૯૭૫ એટલેકે ૩.૨૧ કરોડ રૂપિયાની ઉચાપત કરી જયેશ વાસવાની નામના વ્યક્તિના ખાતામાં ટ્રાન્સફર કરતા આ મામલે કૌભાંડ બાબતે યુનિ. પો સ્ટે માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution