અમદાવાદ: પેરોલ જંપ કરીને નાસતો ફરતો લતીફનો મોહમ્મદ ફાઈટર સાગરિત ઝડપાયો
19, નવેમ્બર 2020

અમદાવાદ-

ગુજરાતના એક વખતના કુખ્યાત ડોન લતીફ નાં સાગરિત તરીકે રહેલા મોહમ્મદ ફાઈટરને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા અમદાવાદના ગોમતીપુરમાંથી ઝડપી લઈને તેની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. લતીફ ગેંગ દ્વારા કરવામાં આવેલા ઓઢવ સ્થિત રાધિકા જીમખાનાના એટેક અને હત્યાકાંડમાં સામેલ મોહમ્મદ ફાઈટર જેલમાંથી પેરોલ પર છુટ્યા બાદ પેરોલ જંપ કરીને નાસ્તો ફરતો હતો. તેની બાતમી ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને મળતા તેને શહેરના ગોમતીપુર વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. હાલમાં તેની કડક પૂછતાછ કરવામાં આવી રહી છે, કહેવામાં આવે છે કે મોહમ્મદ ફાઈટર પૂર્વ સાંસદ રઉફ વલી ઉલ્લા ની હત્યામાં પણ સામેલ હતો, લતીફના ઇશારે ઓઢવમાં આવેલા રાધિકા જીમખાનામાં થયેલા હત્યાકાંડ અંગે ક્રાઈમ બ્રાંચ દ્વારા મોહમ્મદ ફાઈટરને પકડીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો હતો, હાલમાં જ 20 સપ્ટેમ્બર 2020 નાં રોજ પેરોલ પર છુટ્યો હતો ત્યારથી આજ સુધી પેરોલ જંપ કરીને નાસ્તો ફરતો હતો, થોડા સમયથી તે ગોમતીપુરમાં શરણ લઈને રહેતો હતો. પરંતુ પોલીસને બાતમી મળતા તેને પકડી લઈને જેલ ભેગો કરવાની કાર્યવાહી ક્રાઈમ બ્રાંચ દ્વારા કરવામાં આવી રહી છે. મોહમ્મદ ફાઈટર વિષે એમ પણ કહેવામાં આવે છે કે બાબરી મસ્જીદ તોડી પાડ્યા પછી ફાટી નીકળેલા રમખાણોમાં સામેલ લતીફ ગેંગના શાર્પ શુટર એવા શરીફખાન પઠાણને કોર્ટમાં મુદત વખતે ભગાડવામાં પણ મોહમ્મદ ફાઈટરનો મોટો હાથ રહેલો છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution