અમદાવાદ-

દિવાળીના તહેવારોમાં થયેલા સંક્રમણના કારણે ગુજરાતમાં પણ ખાસ કરીને અમદાવાદ શહેરમા કોરોનાના કેસોનો રાફડો ફાટી નીકળ્યો છે. ત્યારે રાજયના ૩૩ જિલ્લાના ૯૨૫ બોન્ડેડ ડોકટરોને તાત્કાલિક ફરજ પર હાજર થવા તાકીદ કરવામાં આવી છે. જેના ભાગરૂપે જ બે દિવસમાં અમદાવાદ મ્યુનિ. કમિશનર સમક્ષ હાજર થવા જણાવાયું છે. જે એમ.બી.બી.એસ. ડોકટર્સ આ આદેશનું પાલન નહીં કરે તેમની સામે સંબંધિત કલેકટર દ્રારા એપેડેમિક એક્ટના જાહેરાનામાની જાેગવાઇ મુજબ કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો છે. રાજયના આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ (આરોગ્ય વિભાગ)ના કમિશનર જયપ્રકાશ શિવહરેએ આજે હુક્મ જારી કર્યો છે તેમાં જણાવ્યું છે કે,

રાજયમાં હાલ કોવિડ ૧૯ની પરિસ્થિતિ નાથવા માટે ડોકટર્સ/ તજજ્ઞોની સેવાઓની મોટાપાયે જરૂરિયાત ઊભી થઇ છે. સરકારી મેડિકલ કોલેજ ખાતે પી.જી.માં અભ્યાસ કરનારા તમામ ડોકટર્સ/ તજજ્ઞો પી.જી. અભ્યાસ પૂર્ણ કરી સરકારી સેવાઓ આપવા બંધાયેલા હોય છે. તે મુજબ સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે કરેલા ઠરાવ અન્વયે તમામ સરકારી મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ ખાતે પી.જી. બોન્ડેડ ડોકટર્સ/ તજજ્ઞોએ એન.એચ.એમ. અંતર્ગત તજગ્ન તરીકે ૧૧ માસના કરારીય ધોરણે નિમણૂંક આપતાં આદેશો કર્યા છે. આ આદેશ પૈકી અમુક બોન્ડેડ ડોકટર્સ હજુ સુધી ફરજ પર હાજર થયા નથી.

સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના પત્રથી સરકારે રાજયમાં સરકારી મેડિકલ કોલેજમાંથી હાલના વર્ષ ગ્રેજ્યુએટની પરીક્ષામાં ઉત્તીર્ણ થનારા બોન્ડેડ ડોકટરોને બોન્ડેડ સર્વિસનો લાભ આપી અને તેનો હોસ્પિટલમાં તેઓની સેવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હાલ સરકારી ક્ષેત્રમાં ઉપલબ્ધ ડોકટરો/તજજ્ઞો કોવિડની પરિસ્થિતિ સાથે છેલ્લાં આઠ મહિનાથી સતત સેવાઓ આપી રહ્યાં છે તેમ જ સર્વેલન્સ અને સારવાર આપવા માટે તેમ જ કોવિડ અને અન્ય બિમારીઓમાં મોટાપાયે સંક્રમણ હોવાથી વધારે ડોકટર/ તજજ્ઞોની તાત્કાલિક જરૂરિયાત છે. હાલમાં સરકારી દવાખાનાઓમાં ઘણી જગ્યાઓ ખાલી હોવાથી દર્દીઓને સારવાર આપવામાં મુશ્કેલી થાય છે.