અમદાવાદ-

રાજ્યની ૬ મહાનગરપાલિકાની ચૂંટણીનું રણશીંગુ ફૂંકાઈ ગયું છે. સમગ્ર રાજ્યમાં પૂરા જાેરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ-આપ સહિત તમામ પક્ષો દ્વારા ઠેર-ઠેર બાઇકની રેલીઓ કાઢીને તેમજ ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી પ્રચારમાં હવે કોરોના વેક્સિનનો સહારો લેવામાં આવ્યો છે. પ્રચાર સમયે મતદારોને રિઝવવા માટે કોંગ્રેસના ઉમેદવારે ફ્રી વેક્સિનનો વાયદો કર્યો છે.

અમદાવાદના ખોખરા વોર્ડ કોંગ્રેસના ઉમેદવાર અપૂર્વ પટેલે એવું સોગંદનામું કર્યું છે કે, ‘જાે તેઓ ચૂંટણી જીતશે તો સિનિયર સિટિઝનને ફ્રીમાં કોરોના વેક્સિન આપશે. કોરોનાકાળમાં ચૂંટણીના માહોલમાં મતદારોને રિઝવવા માટે પક્ષો અવનવા કિમીયાઓ અપનાવી રહ્યાં છે. ત્યારે ખોખરા વોર્ડના કોંગ્રેસ ઉમેદવાર અપૂર્વ પટેલે વોટ મેળવી જીત હાંસલ કરવા કોરોના વેક્સિનનો સહારો લીધો છે.