એઆઈએમઆઈએમના અસદુદ્દીન ઓવૈસી ગુજરાત આવશે
29, જાન્યુઆરી 2021

અમદાવાદ, ગુજરાતમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીને સત્તાવાર રીતે ગુજરાતના રાજકારણમાં ઝંપલાવવાની જાહેરાત કરી છે. ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ આવનારી અમદાવાદ મ્યુનિ. સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પોતાના ઉમેદવારો ઊભા રાખશે. જેને લઈને અસદુદ્દીન ઓવૈસી ૪ ફેબ્રુઆરીએ ગુજરાત આવશે અને અમદાવાદ તેમજ ભરૂચમાં ચૂંટણી પ્રચાર કરશે. સાથે જ ભરૂચમાં બીટીપીના છોટુ વસાવા સાથે બેઠક કરશે. એઆઈએમઆઈએમના ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે ૧૯મીના રોજ ટ્‌વીટ કરીને ઓવૈસી કોંગ્રેસના ભૂતપૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાની નિમણૂક કરી ચૂક્યા છે. હવે રાજ્યમાં ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમના સત્તાવાર પ્રવેશ સાથે એ પણ જાહેરાત કરાઈ છે કે મ્યુનિ. ચૂંટણી પહેલાં ઓવૈસી પ્રચાર માટે અમદાવાદ આવશે અને સભાઓ ગજવશે. એઆઈએમઆઈએમ રાજ્યમાં છોટુ વસાવાની બીટીપી સાથે ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આ સાથે ગુજરાતના રાજકારણમાં ચોથો વિકલ્પ આપવાનો એઆઈએમઆઈએમ દ્વારા મક્કમ નિર્ધાર વ્યક્ત કરાયો છે. 

આ અંગે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સાબિર કાબલીવાલાએ જણાવ્યું હતું કે હાલની ભાજપ સરકારે મુસ્લિમ,દલિત,આદિવાસી,ગરીબ અને પછાત વિસ્તારોના વિકાસની ગંભીર અવગણના કરી છે, જેના કારણે હજી પણ લોકો મૂળભૂત સુવિધાઓથી વંચિત છે. બીજી તરફ, કોંગ્રેસ પાર્ટી સત્તામાં હતી ત્યારે સમાજના નબળા વર્ગોના ઉત્થાનમાં નિષ્ફળ રહી હતી. એ ઉપરાંત વિરોધપક્ષમાં પણ રહીને કોંગ્રેસ જનતાના મુદ્દાઓ ઉઠાવવામાં નિષ્ફળ રહી છે. વર્તમાન સ્થિતિને જાેતાં ગુજરાતની જનતાને મજબૂત નેતૃત્વ અને વિકલ્પની જરૂર છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અમારી એઆઈએમઆઈએમ પાર્ટી આગામી સમયમાં યોજાનારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં ઓછામાં ઓછા ૧૫ વોર્ડ પર તો ભરૂચમાં ધારાસભ્ય છોટુ વસાવાની બીટીપી પાર્ટી સાથે ગઠબંધનમાં સીટ શેરિંગને ધોરણે ચૂંટણીઓમાં ઝંપલાવશે.

સ્થાનિક સ્વરાજ ચૂંટણી લોકો સુધી પહોંચવા કાૅંગ્રેસ સોશિયલ મીડિયાના સહારે

અમદાવાદ, ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે સોશિયલ મીડિયાને મજબૂત કરવા માટે કાૅંગ્રેસ પાર્ટીએ કવાયત હાથ ધરી છે. પ્રદેશ કાર્યાલય ખાતે પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તા સહિત આગેવાની એક મહત્ત્વની બેઠક મળી હતી. આ પ્રસંગે કાૅંગ્રેસ સોશિયલ મીડિયા ચેરમેન રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે, કાૅંગ્રેસ પક્ષે સોશિયલ મીડિયા થકી ગ્રાઉન્ડ લેવલ સુધી પહોંચી ચૂંટણી ગજવવા અંગે રણનીતિ બનાવી છે. યુવા વર્ગને આકર્ષિત કરવા માટે કાૅંગ્રેસ આ વખતે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરશે. સોશિયલ મીડિયા બેઠક દરમિયાન કાૅંગ્રેસ નેતા રોહન ગુપ્તાએ કહ્યુ હતુ કે, ૨૦૧૫ અને ૨૦૧૭માં પણ સોશિયલ મીડિયાનો લાભ મળ્યો હતો. ૨૦૧૭ની ચૂંટણી વખતે ‘કાૅંગ્રેસ આવે છે’ કેમ્પેઇથી ભાજપ સોશિયલ મીડિયાથી ડરી ગયું હતું.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution