05, નવેમ્બર 2020
અમદાવાદ-
એનજીટીએ ફટાકડાથી થતા પ્રદૂષણના મામલે હાથ ધરેલી સુનાવણી દરમિયાન 18 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને નોટિસ ફટકારી છે. આ રાજ્યો એવા છે જેની વાયુ ગુણવત્તા નિર્ધારિત માનક કરતાં ઓછી છે. એનજીટી અધ્યક્ષ જસ્ટિસ આદર્શ કુમાર ગોયલની અધ્યક્ષતાવાળી ખંડપીઠે કહ્યું હતું કે તેઓ પહેલા દિલ્હી, હરિયાણા અને ઉત્તર પ્રદેશને નોટિસ આપી ચુક્યા છે. જ્યારે ઓરિસ્સા અને રાજસ્થાન સરકાર પહેલા જ ફટકાડાની ખરીદી પર પ્રતિબંધ મુકી ચુકી છે અને તેને લઈને અધિસૂચના પણ જાહેર કરી છે.
હવે આ મામલે એનજીટીએ ગુજરાત, આંધ્ર પ્રદેશ, બિહાર, આસામ, ચંદીગઢ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મૂ-કાશ્મીર, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, મેઘાલય, નાગાલેન્ડ, તમિલનાડુ, તેલંગણા, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળ પાસેથી પણ જવાબ માંગ્યો છે. એનજીટીનું કહેવું છે આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ વાયુની ગુણવત્તા સંતોષકારક નથી. એનજીટીએ રાજ્યોને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે કે તેઓ વાયુની ગુણવત્તા સુધારવા માટે કયા પ્રયત્નો કરી રહ્યા છે. આ પહેલા એનજીટીએ રાજ્ય સરકારોને નોટિસ આપી પુછ્યું હતું કે જન સ્વાસ્થ્ય અને પર્યાવરણને ધ્યાનમાં રાખી અને 7થી 30 નવેમ્બર સુધી ફટાકડાના ઉપયોગ પર પ્રતિબંધ મુકવો જોઈએ