તમામ તબીબો ફરજ ઉપર તાત્કાલિક હાજર થાય અન્યથા એપેડેમીક એક્ટ હેઠળ કાર્યવાહી કરાશે: Dycm નીતિન પટેલ 
05, ઓગ્સ્ટ 2021

વડોદરા-

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે, રાજયની સરકારી મેડીકલ કોલેજ સંલગ્ન શૈક્ષણિક હોસ્પિટલોનાં રેસિડેન્ટ ડૉકટર્સની ચાલી રહેલ હડતાળ તદ્દ્ન ગેરવાજબી અને કોઇપણ યોગ્ય કારણો વગર કરીને દર્દીઓને હાલાકી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે આવા તમામ તબીબો દર્દીઓની સેવા કરવી તે પોતાની નૈતિક ફરજ સમજી પોતાની ફરજ પર તાત્કાલિક હાજર થઇ જાય. અન્યથા રાજ્ય સરકાર દ્વારા એપેડેમીક એક્ટ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે. 

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારની બોન્ડ નીતિ સ્પષ્ટ છે, જેમાં સ્નાતક તેમજ અનુસ્નાતક વિધાર્થીઓને પ્રવેશ સમયે આપેલ બોન્ડની શરતો મુજબ એક વર્ષ કે ત્રણ વર્ષની ગ્રામ્ય વિસ્તારમાં સેવાઓ આપવાની થાય છે. આ વિધાર્થીઓ સરકારી મેડીકલ કોલેજ ખાતે પ્રજાનાં જ નાણાં થકી બિલકુલ નજીવી ફી થી અભ્યાસ મેળવે છે. ત્યારબાદ આ અભ્યાસક્રમ પૂર્ણ થયેથી રાજયના છેવાડાનાં નાગરિકોને આરોગ્ય વિષયક સેવાઓ આપવી તેઓની ફરજ છે. તેમણે ઉમેર્યુ કે, રાજય સરકાર દ્નારા તમામ બોન્ડેડ તબીબોને કોવિડ સમયેની ફરજ અન્વયે વધારાના લાભો આપવામાં આવ્યાં હતાં. છેલ્લે તા.૧૨.૦૪.૨૦૨૧ ના રોજ કરેલ ઠરાવની મુદ્દત તા.૩૧.૦૭.૨૦૨૧ ના રોજ પૂર્ણ થતાં તથા રાજયમાં જુજ સંખ્યામાં કોવિડના કેસોની સંખ્યાને ધ્યાને લઇને રાજયની ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓની સારવાર માટે ઘણી મોટી સંખ્યામાં તબીબોની જરૂરિયાત છે ત્યારે તેઓને રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં બોન્ડ મુજબ સેવા આપવા માટે તા.૦૧.૦૮.૨૦૨૧ થી ગ્રામ્ય વિસ્તારમાં રાજ્ય સરકારે બોન્ડેડ તબીબ તરીકે સેવા આપવા માટે આદેશો કરવામાં આવ્યા છે. જે બોન્ડેડ પીજી તબીબને બોન્ડ મુક્ત થવું હોય તો જે મેડીકલ કોલેજમાં તેમણે અભ્યાસ કર્યો હોય ત્યાં નિયત થયેલ બોન્ડની રકમ જમા કરાવી બોન્ડ મુક્ત થઇ શકે છે. પટેલે ઉમેર્યુ કે, તબીબી સેવા એ સમાજની એક ઉમદા સેવા છે. આ હડતાળ ગેરકાયદેસર તથા કોઇપણ પ્રકારના કારણો સિવાયની છે. ત્યારે આ તબીબો પોતાની નૈતિક ફરજ સમજીને ગુજરાતની પ્રજાને આરોગ્ય વિષયક સેવાઓ આપી તેમના સરકારે નિયત કરેલા ફરજના સ્થળે તાત્કાલિક હાજર થઇ જાય.  

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution