દાહોદ જિલ્લામાં હોળીના તમામ મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકાયો
21, માર્ચ 2021

દાહોદ

દાહોદ નગર સહિત સમગ્ર જિલ્લામાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇ કલેક્ટર વિજય ખરાડી દ્વારા એક મહત્વપૂર્ણ ર્નિણય કરવામાં આવ્યો છે. દાહોદમાં આગામી હોળ અને ધૂળેટીના તહેવારોની ઉજવણીમાં મોટા પ્રમાણમાં ભીડ એકત્ર થવાની પૂર્ણ સંભાવનાને ધ્યાને લઇ આ બન્ને તહેવાર સાથે યોજાતા પરંપરાગત મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કલેક્ટર ખરાડીએ એક નિવેદનમાં કહ્યું છે કે, આગામી હોળી અને ધૂળેટીના તહેવારો દરમિયાન જિલ્લામાં પરંપરાગત રીતે આમલી અગિયારસ, ધૂળેટી, ચુલ, ચાડિયા અને ગોળ ગધેડાના મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં નાગરિકો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહે છે. પરંતુ, છેલ્લા એક અરસમાં દાહોદ જિલ્લામાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. હવે આવા સંજાેગોમાં જાે આવા મેળાઓ યોજાઇ તો નાગરિકો મોટા પ્રમાણમાં સંક્રમિત બને એવી પૂર્ણ શક્યતાઓ છે. આ બાબતને ધ્યાને રાખીને આમલી અગિયારસ, ધૂળેટી, ચુલ, ચાડિયા અને ગોળ ગધેડા સહિતના મેળાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ તહેવારો નિમિત્તે જાહેર મેળવડાનું પણ આયોજન કરી શકાશે નહીં. હોળી ધૂળેટીના તહેવારો દરમિયાન જાહેર રસ્તા ઉપર જતા રાહદારીઓ, વાહનચાલકો ઉપર રંગ નાખવો નહીં, તેને ઉભા રાખીને નાણા (ગોઠ) માંગવી નહી. તહેવારોની ઉજવણી શાંતિપૂર્ણ રીતે કરવા નાગરિકોને વિનંતી કરવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આ ઉપરાંત પણ કેટલાક મુદ્દાઓ ઉપર માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં લગ્ન અને સત્કાર સમારોહમાં સ્થળની ક્ષમતાના પચાસ ટકા અથવા મહત્તમ ૨૦૦ વ્યક્તિની મર્યાદામાં યોજી શકાશે. મરણોપરાંત ક્રિયામાં ૫૦ વ્યક્તિ જાેડાઇ શકશે. હોલ, હોટેલ, રેસ્ટોરેન્ટ, ઓડિટોરિયમ, કમ્યુનિટી હોલ, ટાઉન હોલ જેવા બંધ અને ખુલ્લા સ્થળોએ તેની ક્ષમતાના ૫૦ ટકા વ્યક્તિની હાજરીમાં કાર્યક્રમો કરી શકાશે. તમામ કાર્યક્રમોમાં માસ્ક, સેનિટાઇઝર, મેડિકલ સુવિધા રાખવાની રહેશે અને સામાજિક અંતરનું પાલન થાય એ નિયત કરવાનું રહેશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution