મહુધા, તા.૨ 

મહુધાનું ફિણાવ ગામ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે. ગામના જાગૃત નાગરિક દ્વારા તાલુકા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં આક્ષેપ કરાયો છે કે, ગામના તલાટી દ્વારા તળાવનો ગેરકાયદેસર વહીવટ કરવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનામાં મળતી વિગતો અનુસાર, અરજદારે તાલુકા વિકાસ અધિકારીને કરેલી રજૂઆતમાં આક્ષેપ કર્યો છે કે, જે-તે સમયે ગામનું તળાવ ભાડે અપાયું હતું. પંચાયતના નિયમ મુજબ તળાવ ૩ વર્ષ માટે ભાડે આપી શકાય છે. જેથી જે-તે સમયે કરાયેલાં કરારમાં ૩ વર્ષ માટે તળાવ ભાડે અપાયું હતું, જેની સમય મર્યાદા ૨૦૧૮માં પૂર્ણ થતી હતી. છતાં તત્કાલિન તલાટી કમ મંત્રી દ્વારા ગામના સરપંચના લેટરપેડનો ખોટો ઉપયોગ કરી ૫+૫ એમ ૧૦ વર્ષ માટે તળાવ ભાડે આપી દીધું હતું. ખોટાં દસ્તાવેજ ઊભાં કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. આ માટે નાણાકીય લેવડ-દેવડ કરી હોવાના પણ આક્ષેપ કકરાયાં છે.હાલ આ તળાવનો સમયગાળો પૂર્ણ થયો છે. તત્કાલિન તલાટી કમ મંત્રીએ ખોટો ઠરાવ આપ્યો હોવાથી હાલના તલાટીને ઠરાવ બદલવા માટે હેરાન કરવામાં આવી રહ્યાં છે. તેમજ હાલના તલાટી ઠરાવ ન કરે તો બદલી કરાવી અને ગામનો ચાર્જ લેવાની ધમકીઓ પણ આપવામાં આવતી હોવાના આરોપ અરજદારે કર્યા છે. આ સંદર્ભે હાલના તલાટી પાસે ગામનો રેકર્ડ અને ઠરાવબુક અને તળાવ જે ઈજારેદારને ભાડે અપાયું છે તેને બોલાવી તપાસ કરવામાં આવે તો સમગ્ર ઘટનાની સત્ય હકીકત સામે આવે તેવી રજૂઆતમાં માગણી કરવામાં આવી છે. તાલુકા વિકાસ અધિકારી સમક્ષ તપાસની માગ અરજદાર દ્વારા કરવામાં આવી છે.