રાજપીપળા 

સ્ટેચ્યુ ઓફ યુનિટી આસપાસ ફોર લેન રસ્તા, નાળા સહીત અન્ય કામગીરીમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર કરાયો હોવાની તથા આસપાસની જગ્યાઓને લેવલિંગ કરવાના નામે માટી ચોરી થતી હોવાની બુમો ઊઠી હતી.હાલમાં જ કેવડિયા ખાતે વિશ્વ કક્ષાનું રેલ્વે સ્ટેશન નિર્માણ પામી રહ્યું છે તો ત્યાં ગેરકાયદેસર રીતે માટી નાખતી હોવાની ફરિયાદને પગલે સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ એક થઈ એ વિસ્તાર માંથી પસાર થતી ટ્રકોને રોકી તપાસ હાથ ધરતા હાઈવા ટ્રકો માંથી ગેરકાયદેસર ઓવરલોડ માટી મળી આવતા ખળભળાટ મચ્યો હતો.

સ્થાનિક ટ્રાન્સપોર્ટરોના જણાવ્યા મુજબ ખોટી રોયલ્ટી વાળી તથા ગેરકાયદેસર ઓવરલોડ રેતી ભરેલી ૩-૪ હાઈવા ટ્રકોને રોકી કાર્યવાહી માટે ઇ્‌ર્ં અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને બોલાવ્યા તે છતાં રજાનું બહાનું કાઢી એક પણ અધિકારીઓ ત્યાં ફરકયા નથી.નર્મદા જીલા બહારથી આવતા અન્ય લોકો અહીંયા આવી ખનીજ સંપત્તિનું નુકશાન કરે છે.કેવડિયા ખાતે બની રહેલા રેલ્વે સ્ટેશનમાં અન્ય જગ્યાએથી ખોટી રોયલ્ટી બતાવી ગેરકાયદેસર માટી નંખાઈ રહી છે પણ અધિકારીઓ કોઈ જ કાર્યવાહી કરતા નથી.જો સ્થાનિકોને કામ આપવામાં આવે તો ખનીજ સંપત્તિનું નુકશાન કોઈ કરે જ નહીં.આ કૌભાંડમાં મોટા અધિકારીઓની સંડોવણી પણ હોય શકે એમ જણાવ્યું હતું.એ કૌભાંડમાં જિલ્લાના જ એકઅધિકારીનું નામ ચર્ચાતા ખળભળાટ મચ્યો હતો.ગરુડેશ્વર પોલીસ મથકમાં આદિવાસી મ્યુઝિયમ માટી ચોરી અંગે ફરિયાદ પણ નોંધાઈ હતી જો કે ફરિયાદ બાદ તપાસ ક્યાં સુધી પહોચી છે એ મોટો પ્રશ્ન ઉપસ્થિત થાય છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં બેરોકટોક માટી ખનન થઈ રહ્યું હોવાની અગાઉ પણ બુમો ઉઠી હતી, તો હાલમાં નર્મદા જિલ્લાના સ્થાનિક ટ્રાન્સપોર્ટરોએ એ બાબત પુરવાર કરી છે.તો આ ઘટના સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં વિકાસના નામે મસ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની ચાડી ખાય છે.એક બાજુ સરકાર પ્રવાસીઓને આકર્ષવા અવનવા પ્રોજેક્ટો લાવી રહી છે તો બીજી બાજુ એ જ પ્રોજેક્ટોમાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, આમાં છેલ્લે તો જનતાની જ પરસેવાની કમાણીના રૂપિયા પાણી જતા હોય છે.તો હવેથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર ચાલતા વકાસના કામમાં ભ્રષ્ટાચાર માલુમ પડે તો અધિકારીઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ એવી માંગ ઉઠી છે.