રાજપારડીમાં બીટીપીનાં હોદ્દેદારો સામે મારામારીની ફરિયાદનાં મુદ્દે આક્ષેપો
29, જાન્યુઆરી 2021

ભરૂચ, ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીની તારીખ નજદીક આવતાંની સાથે જ રાજકારણ પણ દિવસે દિવસે વધશે, જેમાં પોલિટિકલ પક્ષોમાં એકબીજા સામે આક્ષેપબાજી તેમજ મારામારી આવનારા સમયમાં જાેવા મળશે તેવા એંધાણ સર્જાઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઝઘડિયા તાલુકાનાં રાજપારડી ગામે ભાજપનાં કાર્યકર હિરલ પટેલ પર થયેલા હુમલામાં ત્રણ ઈસમો વિરૂદ્ધ નામજાેગ અને અન્ય છ ઈસમો વિરુદ્ધ રાજપારડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ હતી. ફરિયાદમાં બીટીપી અને બીટીએસનાં હોદ્દેદારો અને આગેવાનોનાં નામો ખોટી રીતે રાજકીય દબાણને વશ થઇને દાખલ કરાયા હોવાના આક્ષેપ સાથે ભીલીસ્થાન ટાઇગર સેનાએ કલેકટરને આવેદનપત્ર પાઠવીને ખોટી રીતે ફરિયાદમાં સંડોવણી કરેલ હોદ્દેદારોના નામ રદ કરવાની માંગણી કરી હતી. આવેદનપત્રમાં જણાવાયા મુજબ સત્તાપક્ષના રાજકીય દબાણને વશ થઈને ખોટી રીતે ઝઘડીયા બીટીપીના પ્રમુખ કલ્પેશ કાલિદાસ વસાવા, બીટીએસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇમ્તિયાઝ અલી સૈયદ અને જુનાપોરા ગામના સરપંચ અક્ષય વસાવાના નામો ખોટી રીતે ફરિયાદમાં દાખલ કરાયા હોવાનો આક્ષેપ કરીને ભિલીસ્થાન ટાઈગર સેના દ્વારા આવેદન આપીને ફરિયાદમાં દાખલ થયેલ નામો રદ કરવા માંગ કરવામાં આવી હતી. વધુમાં આ હોદ્દેદારો રાજકીય રીતે સંકળાયેલા છે અને હિંદુ-મુસ્લિમ બંને સમાજના ગરીબ લોકોને તેમજ આદિવાસી સમાજને સહાય કરે છે જેથી ખોટી રીતે એફ.આઇ.આર.માં નામ ચઢાવ્યા છે, તેની સામે ટાઈગર સેનાએ આ બાબતનો વિરોધ કરીને ન્યાયિક તપાસની માંગ કરી હતી. આ ધટનામાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ભિલીસ્થાન ટાઈગર સેના તરફથી આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે જાેવું રહ્યું કે ફરિયાદમાં જેઓના નામ દાખલ કરાયા છે તેઓ નિર્દોષ છે કે નહીં તે તો આવનાર સમયે ખબર પડશે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution