અંબાજી આઇએસઓ ૯૦૦૧ઃ૨૦૧૫ સર્ટિફિકેટ મેળવનારું રાજ્યનું પ્રથમ યાત્રાધામ બન્યું
24, જુલાઈ 2020

અંબાજી,તા.૨૩ 

આદ્યશકિત પીઠ અંબાજીધામ ગુજરાતનું સૌ પ્રથમ આઇએસઓ ૯૦૦૧: ૨૦૧૫ સર્ટિફિકેટ ધરાવતું પવિત્ર યાત્રાધામ બન્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સર્ટિફિકેટ રાજ્યના યાત્રાધામ વિકાસમંત્રી દિલીપ ઠાકોર અને વિભાવરીબહેન દવેની ઉપસ્થિતિમાં પ્રવાસન-યાત્રાધામ સચિવ મમતા વર્મા અને આરાસૂરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષ, બનાસકાંઠા કલેક્ટર સંદીપ સાંગલેને ગાંધીનગરમાં અર્પણ કરાયું હતું. સમગ્ર મંદિર પરિસરના સુઆયોજિત સંચાલન, ગબ્બર પર સુવિધાઓ તેમજ પ્રસાદ અને અન્ય ખાદ્ય સામગ્રી તેમજ યાત્રી નિવાસ સગવડતાઓના સરળ સંચાલન સાથે જ અંબાજી વિસ્તારમાં ટ્રસ્ટ દ્વારા હાથ ધરાતી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓના સંચાલન અને સેવાકીય પ્રવૃત્તિઓને પગલે આ સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન ફોર સ્ટાર્ન્ડડાઇઝેશન આઇએસઓએ યુ.કે બેઝડ સંગઠન છે અને જે-તે સંસ્થા-સંગઠનોને તેની ગુણવત્તાયુકત સેવાઓ, પર્યાવરણ જાળવણીના ઉપાયો તથા સુરક્ષા-સલામતિની સર્વગ્રાહી બાબતોના મૂલ્યાંકનના આધારે આઇએસઓ સર્ટીફિકેશન માટેની પસંદગી આ સંસ્થા કરે છે. આઇએસઓના માનદંડો પર અંબાજી મંદિર ટ્રસ્ટ સફળ નિવડતાં આ સર્ટીફિકેશન પ્રાપ્ત થયું છે. સર્ટીફિકેટ યાત્રાધામમાં આવતા યાત્રિકોને પૂજા, યજ્ઞ, પાર્કિંગ , દાન-ભંડોળ, તત્કાલ તબીબી સેવાઓની ઉપલબ્ધિ પ્રસાદ વ્યવસ્થા, નિવાસ સુવિધા ,ડેડીકેટેડ હેલ્થ સેન્ટરની સુવિધા, સાયન્ટીફિક એપ્રોચ સાથેના સી.સી.ટીવી સર્વેલન્સ તથા સ્ટ્રેટેજિક લોકેશન્સ ઉપર સુરક્ષા તેમજ સુરક્ષિત અને આરોગ્યપ્રદ ખોરાક-ભોજન પ્રસાદ જેવી વિવિધ સગવડતાઓમાં શ્રેષ્ઠતા માટે એનાયત થયું છે. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution