વોશિંગ્ટન-

20મી જાન્યુઆરીએ  અમેરીકાના રાષ્ટ્રપતિપદના સોગંદ લેનારા જો બાયડેને પહેલી સેનાકીય કાર્યવાહી કરતા શુક્રવારે મળસ્કે અમેરીકી હવાઈદળે સીરીયાના અનેક ઠેકાણે બોંબમારો કર્યો હતો. સીરીયાના કેટલાક ઠેકાણા ઈરાન દ્વારા સમર્થિત આતંકવાદીઓના કબજામાં હોવાને પગલે અમેરીકાએ આવી કાર્યવાહી કરી છે. જો કે, આ હુમલામાં આતંકવાદી જૂથોને કેટલું નુકસાન થયું છે, તેની કોઈ માહિતી મળી નથી. 

એક અમેરીકન અધિકારીએ કહ્યું હતું કે, આતંકવાદી જૂથોને ભારે નુકસાન થયું છે. તેમના અડ્ડાઓ ખતમ કરી દેવાયા છે અને તેમાં અનેક આતંકવાદીઓનો ખાત્મો બોલાવી દેવાયો છે. તેમણે કહ્યું હતું કે, અમેરીકા કોઈપણ પ્રકારની આતંકવાદી ગતિવિધિ સાંખી નહીં લે. તેમણે ઉમેર્યું કે, અમેરીકી સંરક્ષણ પ્રધાન જનરલ લોઈડ ઓસ્ટીને પહેલાં જ કહ્યું છે કે, અમેરીકી હિતોને નુકસાન પહોંચાડવાના કોઈપણ કાવતરાને તેઓ સફળ નહીં થવા દે.

ટ્રમ્પની તુલનામાં થોડા નરમ મનાતા બાયડેને પણ આવી કઠોર કાર્યવાહી કરતા અમેરીકાના શત્રુ રાષ્ટ્રોને એક કડક સંદેશો ગયો હતો. ઈરાનના આતંકી જૂથોએ આ પહેલા અમેરીકાના એરબેઝ ખાતે બે હુમલા કર્યા હતા, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. સીરીયામાં ઈરાનના ટેકેદાર આતંકવાદી જૂથોના અનેક ઠેકાણા છે, એ જોતાં તેમના પર અમેરીકા દ્વારા હુમલો કરાતા હવે અમેરીકા અને ઈરાન વચ્ચેની તંગદિલી વધી જશે. ઈરાન પોતાનો પરમાણુ કાર્યક્રમ આગળ વધારી રહ્યું હોવાને પગલે બંને દેશો વચ્ચે અગાઉથી જ તંગદિલી પ્રવર્તી રહી છે.