અમેરિકા

યુએસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને રવિવારે એનએસએ અજિત ડોવાલ સાથે ફોન પર વાત કરી. જેક સુલિવનએ COVID 19 કેસોમાં વધારો થયા પછી ભારતના લોકો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.સુલવિને એનએસએ અજીત ડોવાલને કહ્યું કે યુનાઇટેડ સ્ટેટ્સે કોવિશિલ્ડ રસીના ભારતીય ઉત્પાદન માટે જરૂરી કાચા માલના સ્ત્રોતોની ઓળખ કરી છે જે ભારતને તાત્કાલિક ઉપલબ્ધ કરાશે.

અગાઉ, બાયડેન વહીવટીતંત્રના ઉચ્ચ આરોગ્ય સલાહકારે કહ્યું હતું કે યુ.એસ. ભારતને મદદ કરવા માટે સક્રિય રીતે પ્રયાસો કરી રહ્યું છે, જ્યાં કોરોના વાયરસના ચેપના કેસમાં મોટો વધારો છે. ભારતમાં ફ્રન્ટલાઈન હેલ્થકેર કર્મચારીઓને સુરક્ષિત રાખવા અને કોરોના દર્દીઓની સારવાર માટે જરૂરી વેન્ટિલેટર, પીપીઇ કિટ્સ, ટેસ્ટ કિટ્સ, વગેરે પણ તુરંત આપવામાં આવશે. તે જ સમયે, યુએસ ભારતને તાત્કાલિક ઓક્સિજન ઉત્પાદન અને તેનાથી સંબંધિત પુરવઠો આપવાનાં વિકલ્પો પર કામ કરી રહ્યું છે.

છેલ્લા ઘણા દિવસોથી દેશમાં દરરોજ ત્રણ લાખથી વધુ નવા કેસ નોંધાઇ રહ્યા છે. બીજી તરંગને કારણે આરોગ્ય માળખાને પણ અસર થઈ છે, જેના કારણે હોસ્પિટલોમાં પથારી અને ઓક્સિજનની ભારે તંગી વર્તાઈ રહી છે. રવિવારે સવારે જાહેર થયેલા આંકડા મુજબ પાછલા દિવસોમાં લગભગ સાડા ત્રણ લાખ નવા કેસ નોંધાયા છે. રોગચાળો શરૂ થયા પછી આજ સુધી કોઈ પણ દેશમાં કોરોનાના આટલા બધા કેસ નથી નોધાયા. ભારતના આ સંકટમાં ઘણા દેશોએ મદદની ઓફર કરી છે. ચીન, પાકિસ્તાન, બ્રિટન સહિત ઘણા દેશો ભારત સાથે આવ્યા છે. યુકેએ રવિવારે વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સેન્ટર્સ સહિત અન્ય જીવન-બચાવ તબીબી ઉપકરણો મોકલવાની જાહેરાત કરી છે. દિલ્હીના બ્રિટીશ હાઈ કમિશને કહ્યું છે કે કોવિડ -19 રોગચાળા સામે લડવામાં મદદ માટે 600 તબીબી ઉપકરણો ભારત મોકલવામાં આવશે.