મુંબઇ

બોલિવૂડ એક્ટર મોહમ્મદ ઝીશાન અયૂબ  આજકાલ ચર્ચામાં છે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ડેબ્યુ વેબ સિરીઝ 'તાંડવ'માં મોહમ્મદ ઝીશાન અયૂબના ડાયલોગની ચારેય બાજુ ચર્ચા અને ટીકા થઈ રહી છે. ત્યારે હવે એક્ટર મોહમ્મદ ઝીશાન અયૂબનો એક જૂનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં મોહમ્મદ ઝીશાન અયૂબ લોકોને શાહીનબાગમાં એકઠા થવાનું જણાવી રહ્યો છે.


પત્રકાર શ્વેતા ગોયલ શર્માએ પોતાના ટ્વિટર હેન્ડલ પર મોહમ્મદ ઝીશાન અયૂબનો આ વિડીયો શેર કર્યો છે. સાથે એવું પણ લખ્યું કે 'આ વ્યક્તિએ આ પ્રોપેગેન્ડા (પ્રચાર) વિડીયોમાં 'તાંડવ'ના તમામ એપિસોડ્સની સરખામણીમાં ખૂબ સારુ પરફોર્મન્સ આપ્યું છે.' 

આ વિડીયોમાં મોહમ્મદ ઝીશાન અયૂબ કહી રહ્યો છે કે 'મારી આ અપીલ જામિયા અને ઓખલાના લોકો માટે છે. જેટલા પણ લોકો શક્ય હોય શાહીનબાગ પર રહે. તમે જેટલા પણ લોકો શક્ય હોય તો શાહીનબાગ પહોંચો. આ લોકો જેએનયુ પર હુમલો કરી રહ્યા છે, જેમ આ લોકો એકઠા થશે પછી આ લોકો શાહીનબાગ પર હુમલો કરશે. જો વધુ લોકો પહોંચશે તો આ લોકો કશું કરી શકશે નહીં. મહેરબાની કરીને વધુમાં વધુ લોકો શાહીનબાગ પહોંચો અને બાકીના દિલ્હીવાળા લોકો જેએનયુ પહોંચો.' 

ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ડેબ્યુ વેબ સિરીઝ 'તાંડવ' પરનો વિવાદ સતત વધી રહ્યો છે. બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન સ્ટારર આ વેબ સિરીઝ 'તાંડવ' ગત શુક્રવારે રિલીઝ થઈ અને પછી વિવાદ શરૂ થઈ ગયો. વાત જાણે એમ છે કે વેબ સિરીઝ 'તાંડવ'ના પ્રથમ એપિસોડની 17મી મિનિટે આવતા સીનને લઈને દર્શકોએ નારાજગી વ્યક્ત કરી છે.