અયોધ્યા, તા.૭

અયોધ્યામાં રામજન્મભૂમિ પરિસરમાં મંદિર નિર્માણને લઈ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. પરિસરમાં જમીન સમથળ કરવાનું કાર્ય પૂર્ણ થાય ત્યાર બાદ ફાઉન્ડેશન બનાવવાની તૈયારીને લઈ એલએન્ડટી કંપનીના અધિકારીઓએ પરિસરમાં ડેરા નાખ્યા છે. ત્યારે મંદિર નિર્માણની પ્રક્રિયા માટે પરિસરમાં ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવશે. 

આ આયોજન પરિસર ખાતે આવેલા પ્રાચીન કુબેર ટીલા પર થશે જ્યાં ભગવાન શિવ બિરાજમાન છે. આગામી ૧૦ જૂનના રોજ મહંત કમલ નયન દાસ અન્ય સંતો સાથે સવારે ૮ કલાકે પૂજનની શરૂઆત કરશે જે બે કલાક સુધી ચાલશે. ત્યારબાદ મંદિર નિર્માણનું કામ શરૂ કરવામાં આવશે. શ્રી રામજન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસના ઉત્તરાધિકારી મહંત કમલ નયન દાસે જણાવ્યું કે, ભગવાન રામે લંકા પર વિજય  પહેલા ભગવાન રામેશ્વરની સ્થાપના કરીને અભિષેક કર્યો હતો માટે મંદિર નિર્માણ પહેલા ભગવાન શશાંક શેખરનું પૂજન કરવામાં આવશે. વધુમાં તેમણે મંદિર નિર્માણની તૈયારી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવીને કોતરણી કરાયેલા પથ્થરોમાંથી જ મંદિર નિર્માણ કરાશે અને રામલલ્લા પોતાના ગર્ભગૃહમાં બિરાજમાન થશે  જાકે તે પહેલા રામજન્મભૂમિ ખાતેના કુબેર ટીલા પર ભગવાન શશાંક શેખરની આરાધના કરવામાં આવશે અને ત્યારબાદ કાર્યનો પ્રારંભ થશે.