02, નવેમ્બર 2020
મુંબઇ
2020નું વર્ષ વિવિધ કારણોસર નોંધપાત્ર રહેશે. ખાસ કરીને બોલિવુડ માટે 2020નું વર્ષ વસમું રહ્યું કારણકે આ વર્ષમાં હિન્દી મનોરંજન ઈન્ડસ્ટ્રીના અમુક દિગ્ગજ કલાકારોનું અવસાન થયું. ઈરફાન ખાન, ઋષિ કપૂર, સુશાંત સિંહ રાજપૂત, વાજિદ ખાન વગેરેના નિધને ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઊંડો આઘાત આપ્યો છે. હવે દિવાળી નજીક છે ત્યારે જાણવા મળ્યું છે કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની બે મોટી દિવાળી પાર્ટી આ વર્ષે નહીં યોજાય.
એક અહેવાલ પ્રમાણે, અમિતાભ બચ્ચન અને એકતા કપૂરે આ વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન રદ્દ કર્યું છે. અમિતાભ બચ્ચન અને એકતા કપૂરની દિવાળી પાર્ટી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખૂબ પોપ્યુલર છે. જો કે, આ વર્ષે કોરોના વાયરસ મહામારી અને ઋષિ કપૂરના અવસાનને કારણે તહેવારોની ઉજવણી ફીકી પડી છે. બચ્ચન પરિવારમાં આ વર્ષે રિતુ નંદા (શ્વેતા બચ્ચન નંદાના સાસુ અને ઋષિ કપૂરના બહેન)નું પણ અવસાન થયું છે. જાન્યુઆરી 2020માં અમિતાભ અને જયા બચ્ચનના વેવાણ રિતુ નંદાનું કેન્સરના કારણે નિધન થયું હતું. જ્યારે એપ્રિલ 2020માં ઋષિ કપૂરનું અવસાન થયું હતું.
અંગત કહી શકાય તેવા બે વ્યક્તિઓના અવસાન થતાં બચ્ચન પરિવારે આ વર્ષે દિવાળી પાર્ટી રદ રાખી છે. આ ઉપરાંત બચ્ચન પરિવાર પણ કોરોનાની ઝપેટમાં આવ્યો હતો. અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા હતા.
તો ટેલિવિઝન ક્વિન તરીકે ઓળખાતી એકતા કપૂર પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ વર્ષે દિવાળી પાર્ટીનું આયોજન કરવાના મૂડમાં નથી. ઉલ્લેખનીય છે કે, અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાએ ઋષિ કપૂરના ભાણિયા સાથે લગ્ન કર્યા છે. ત્યારે એકતા કપૂર તેમને પણ પોતાનો પરિવાર માને છે. એવામાં દિવાળી પાર્ટી ના કરવાનું એક કારણ આ પણ છે.
જણાવી દઈએ કે, દર વર્ષે દિવાળી વખતે અમિતાભ બચ્ચન, એકતા કપૂર, શાહરૂખ ખાન, શિલ્પા શેટ્ટી કુંદ્રા સહિતના સેલેબ્સ પોતાના ઘરે પાર્ટીનું આયોજન કરે છે. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. દર વર્ષે આ સેલેબ્સની દિવાળી પાર્ટી ખૂબ ચર્ચામાં રહે છે. આ પાર્ટીઓની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હોય છે. સેલેબ્સ દિવાળીના તહેવારો શરૂ થાય એ પહેલાથી જ પોતાના ઘરે પાર્ટીનું આયોજન શરૂ કરી દે છે.