વલસાડ-

શનિવારે મોડીરાત્રે એક ખાનગી બસને અકસ્માત થતાં એક મુસાફરનું મોત થયું હતું જ્યારે અકસ્માત બાદ બસનો ડ્રાઈવર મુસાફરોને બસમાં જ છોડીને નાસી જતાં ફસાઈ ગયેલા મુસાફરોને બસની બારીના કાચ તોડીને બહાર કાઢવાનો વારો આવ્યો હતો અને  તેમ કરતાં આખરે 50 મુસાફરોના જીવ હેમખેમ બચી ગયા હતા.

શનિવારે મોડી રાત્રે વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની બસ મુંબઈથી રાજસ્થાન જવા નીકળી હતી. વલસાડના ડુંગળી નજીકના સોનવાળા ગામ પાસેથી બસ પસાર થઈ રહી હતી ત્યારે બસને રાત્રે 11.30 થી 12 વાગ્યાની આસપાસ અકસ્માત નડ્યો હતો. આ ગામ પાસે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી વાહનો સર્વિસ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં અચાનક વિજય લક્ષ્મી ટ્રાવેલ્સની બસે કાબૂ ગુમાવયો હતો. આ સાથે જ બસ એક સ્થાનિક મકાનમાં ઘૂસી ગઈ હતી. ખાનગી બસ પૂરપાટ ઝડપે દોડી રહી હતી, જેથી ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતા જ ડ્રાઈવર ઘટના સ્થળેથી મુસાફરોને મૂકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે કે તમામ મુસાફરો બસમાં ફસાયેલા હતા. આ જોઈ સ્થાનિક લોકો તેમની મદદે આવ્યા હતા. તમામને સ્થાનિક લોકોએ બસના કાચ તોડીને બહાર કાઢ્યા હતા. જેના બાદ પોલીસ આવતા પોલીસ પણ બચાવ કામગીરીમાં જોડાઈ હતી.

અકસ્માતમાં રાજસ્થાન જઈ રહેલા એક મુસાફર દેવીલાલ પટેલનું મોત નિપજ્યું છે, તો પાંચ જેટલી મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે. આ ઉપરાંત 50 જેટલા મુસાફરોને ભારે જહેમત બાદ બસમાંથી બહાર કઢાયા હતા. બસ જે ઘરમાં ઘૂસી હતી, સદનસીબે તે મકાન બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ મકાનના પિલ્લર બસની ટક્કરથી તૂટી ગયા હતા. ઘાયલ મુસાફરોને વલસાડની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડુંગરી પોલીસે આ ઘટના બાબતે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.