ભુજ, પૂર્વ કચ્છમાં નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમથી પહોંચેલી નર્મદા કેનાલના પાણીનો ઉપયોગ ખેડૂતો ખેતીમાં કરી રાજીપો અનુભવી રહ્યા છે. જ્યારે બીજી તરફ હવે કેટલાક લેભાગુ તત્વો તેનો દૂરઉપયોગ પણ કરતા થયા છે. દરમિયાનમાં ગુરૂવારના રોજ ભચાઉ નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં કોઈ શખ્સ એક્ટિવા સ્કૂટર અને હેલ્મેટ નાખી જતાં કેનાલ માર્ગ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓમાંં આશ્ચર્ય ફેલાયું હતું. જાે કે હાલમાં એક્ટિવા સ્કુટરને કેનાલમાંથી બહાર કાઢી સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી છે.આ વિશે નગરપાલિકા કચેરીના ફાયર વિભાગમાં પણ કોઈ રાહદારી દ્વારા ફોન મારફતે જાણ કરવામાં આવી હતી કે ભચાઉ-નવાગામ વચ્ચે છછડા તળાવ નજીકથી પસાર થતી નર્મદા કેનાલની અંદર કોઈ શખ્સ હેલ્મેટ અને એક્ટિવા સ્કૂટર નાખી ફરાર થઈ ગયા છે. આથી ફાયર બ્રિગેડ વિભાગના પ્રવીણ દાફડા સહિતના કર્મચારીઓએ સ્થળ પર પહોંચી એક્ટિવા બહાર લાવી પોલીસને જાણ કરવામાં આવી હતી. આ દ્વિ-ચક્રી વાહન કોઈ ઇસમ ચોરી કરીને અથવા કોઈ ગેર પ્રવૃત્તિમાં ઉપયોગ કર્યા બાદ ફેંકી ગયાની આશંકા લોકોએ વ્યક્ત કરી હતી