વડોદરા

વડોદરા શહેર-જિલ્લામાં કોરોના રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે અને હજારોની સંખ્યામાં લોકો પોતાની સુરક્ષા માટે કોરોનાની રસી લઈ રહ્યા છે, તેવા સમયે તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ ભાન ભૂલેલા નેતાઓના પાપે કોરોના વાઈરસ શહેર-જિલ્લામાં ફરી એકવાર માથું ઊંચકી તેનો વિકરાળ પંજાે ફરી ફેલાવી રહ્યો છે. આજે દિવસ દરમિયાન ૬૧ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૬૧ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં પોઝિટિવ દર્દીઓનો કુલ આંક ૨૫,૩૭૨ ઉપર પહોંચ્યો હતો, જ્યારે હાલમાં ૬૧૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૪૧ વેન્ટિલેટર ઉપર, ૯૩ ઓક્સિજન ઉપર હોવાનું તેમજ ૪૭૬ સ્ટેબલ હોવાનું જાણવા મળ્યું છે. શહેરના ચારેય ઝોન અને ગ્રામ્ય વિસ્તારના આંકડા ઉપર નજર કરીએ તો પૂર્વ ઝોનમાં કુલ આંક ૩૭૬૮, પશ્ચિમ ઝોનમાં ૪૧૯૫, ઉત્તર ઝોનમાં ૪૯૭૪, દક્ષિણ ઝોનમાં ૪૬૩૬ અને ગ્રામ્ય વિસ્તારમાં ૭૭૬૩ દર્દીઓ નોંધાયા હતા. શહેરમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે જેમાં શિયાબાગ, એકતાનગર, અટલાદરા, કિશનવાડી, ગોત્રી, સુભાનપુરા, મકરપુરા, માણેજા, તાંદલજા અને પાણીગેટનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યના પાદરા, જંબુસર, સાવલી, વાઘોડિયા, ડભોઈ, કરજણ અને પોરનો સમાવેશ થાય છે.

ક્રિશ્ચિયન સમાજના યુવાનનું કોરોનામાં મોત થતાં પાલિકાએ ફાળવેલ ખાસ સ્થળે દફનવિધિ કરાઈ

વડોદરા. શહેરના હરણી વિસ્તારના મોટનાથ રેસિડેન્સીમાં રહેતા અને છૂટક કલરકામના કોન્ટ્રાક્ટ પર કલરકામ કરતા ૪૭ વર્ષીય ક્રિશ્ચિયન પરિવારનો યુવાન ઘરમાં પડી ગયા બાદ તેને બેભાન હાલતમાં સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે યુવાનને મૃત જાહેર કર્યો હતો. ત્યાર બાદ તબીબે કોરોના ટેસ્ટ માટેની પ્રક્રિયા હાથ ધરી હતી. ક્રિશ્ચિયન જ્ઞાતિના મૃતકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જેથી તબીબે કોરોનાની ગાઈડલાઈન મુજબ પોલીસ અને પરિવારને અંતિમવિધિ માટે મૃતદેહ સોંપવામાં આવ્યો હતો. જાે કે, ક્રિશ્ચિયન સમાજના કોરોના પોઝિટિવ યુવાનની દફનવિધિ માટે પેન્શનપુરામાં આવેલ તેમના સમાજના સ્મશાનમાં એનઓસી આપવામાં ન આવતાં મૃતકના પરિવારજનો અટવાયા હતા. ત્યાર બાદ પાલિકા દ્વારા માણેજા વિસ્તારમાં ફાળવવામાં આવેલ દફનવિધિના સ્થળે લઈ જઈને દફનવિધિ કરાઈ હતી.

માતુશ્રીને કોરોના રસી મુકાવવા નવનિયુક્ત મેયર રસી કેન્દ્ર ખાતે પહોંચ્યા

મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર કેયુર રોકડિયા આજે તેમના ૬૬ વર્ષીય માતુશ્રીને કોરોનાની રસી મુકાવવા માટે ગોરવા સ્થિત યુપીએચસી કેન્દદ્ર ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ સરકારની ગાઈડલાઈન મુજબ રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી રસી મુકાવી હતી. ત્યાર બાદ અડધો કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં હતાં. જાે કે, કોઈ આડઅસર ન થતાં નગરવાસીઓને કોરોનાની રસી સુરક્ષિત હોવાનું જણાવી રસી મુકાવવા માટે શહેરીજનોને અનુરોધ કર્યો હતો.

ઝઘડિયાની કંપનીનું રૂા.૧૦ લાખની બેડસીટ-હાથરૂમાલનું દાન

ઝઘડિયાની બિરલા સેન્ચુરી કંપની કોવિડના દર્દીઓની સેવા માટે આગળ આવી છે અને પ્રતાપનગરની રેલવે હોસ્પિટલના ડેડીકેટેડ કોવિડ હોસ્પિટલને સારવાર માટે દાખલ થઈ રહેલ કોવિડ સંક્રમણ દર્દીઓની સેવામાં ૧૪૭૫ નંગ બેડ સીટ અને ૮૪૧ નંગ હાથરૂમાલ દાન કરી સેવાયજ્ઞનો પ્રારંભ કર્યો હતો. અંદાજે રૂા.૧૦ લાખના બેડસીટ અને હાથરૂમાલનું દાન કરતાં પ્રતાપનગર રેલવે હોસ્પિટલના સત્તાધીશોએ બિરલા સેન્ચુરી કંપનીનો આભાર માન્યો હતો.