નવી દિલ્હી-

કેન્દ્ર સરકારે કોરોના વાઈરસ મહામારીને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા માટે આજે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના બંને ગૃહોના જુદા જુદા પક્ષોના નેતાઓ સાથે વાત કરે તેવી સંભાવના છે. આ બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ થશે. કોવિડ -19 રોગચાળો શરૂ થયા પછી બીજી વાર સરકારે કોરોના વાઈરસથી સર્જાયેલી પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા સર્વપક્ષીય બેઠક બોલાવી છે. વાઈરસના ફેલાવાને રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉન દરમિયાન 20 મી એપ્રિલે પહેલી બેઠક મળી હતી. આ બેઠકમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ગૃહ પ્રધાન અમિત શાહ, આરોગ્ય પ્રધાન હર્ષ વર્ધન, સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી સહીત સરકારના ટોચના પ્રધાનો બેઠકમાં હાજર રહેવાની સંભાવના છે. સરકાર સાંસદોને મહામારી સાથે સંકળાયેલા વિવિધ પગલાઓ વિશે જણાવે તેવી અપેક્ષા છે. રસીના વિકાસ અને ડિલિવરીના વિષય પર પણ ચર્ચા કરી શકે છે. કોંગ્રેસના નેતાઓ અધિર રંજન ચૌધરી અને ગુલામ નબી આઝાદ, તૃણમૂલ કોંગ્રેસના સુદિપ બંદોપાધ્યાય અને ડેરેક ઓ બ્રાયન, વાયએસઆર કોંગ્રેસના મધુન રેડ્ડી અને વિજયસાઈ રેડ્ડી સહિતના અન્ય નેતાઓ બેઠકમાં હાજર રહેવાની સંભાવના છે. પૂર્વ વડા પ્રધાન એચડી દેવ ગૌડા પણ આ બેઠકમાં સામેલ થશે.