કારેલીબાગ વિસ્તારમાં ખાનગી બસના વ્હીલ પગ ઉપર ફરી વળતાં વૃદ્ધા ગંભીર
20, જુન 2020

વડોદરા, તા.૧૯ 

શહેરી વિસ્તારમાં ભારદારી વાહનો માટે ચોક્કસ સમયની પ્રવેશબંધી હોવા છતાં ટ્રાફિક પોલીસની રહેમનજર હેઠળ તેમજ હપ્તારાજમાં બેધડક ફરી ખાનગી લક્ઝરી બસના ચાલકે આજે સવારે કારેલીબાગ વિસ્તારના બહુચરાજી રોડ પર સ્મશાન તરફ જવાના ત્રણ રસ્તાના વળાંક પર ચાલતાં જતાં વૃદ્ધાને અડફેટમાં લેતાં તેમના પગ ઉપર બસનાં તોતિંગ પૈડાં ફરી વળતાં વૃદ્ધા ગંભીર રૂપે ઘાયલ થયાં હતાં. આ અકસ્માતના બનાવને પગલે રાહદારીઓ વૃદ્ધાની મદદે દોડી આવ્યા હતા અને સારવાર માટે ૧૦૮ દ્વારા સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.  

આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ જે.જી.ટ્રાવેલ્સની લક્ઝરી બસ લઈને તેનો ડ્રાઈવર કારેલીબાગ વિસ્તારના બહુચરાજી રોડ પરથી માતેલા સાંઢની જેમ પૂરઝડપે જતો હતો એ દરમિયાન લક્ઝરી બસના ચાલકે બહુચરાજી રોડ પર સ્મશાન તરફ જવા માટે ત્રણ રસ્તા ઉપર બસનો વળાંક લેતો હતો તે વખતે ત્રણ રસ્તા પરથી ચાલતાં જતાં એક વૃદ્ધાને બસના ચાલકે અડફેટમાં લીધાં હતાં. એટલું જ નહીં, વૃદ્ધાને બસની ટક્કર વાગતાં તેઓ રોડની બાજુએ ફંગોળાયાં હતાં અને તેમના પગની ઉપર બસનાં તોતિંગ પૈડાં ફરી વળ્યાં હતાં. આ બનાવમાં ઈજા પામેલાં વૃદ્ધાની મદદે લારીઓવાળા તેમજ દુકાનદારો, રાહદારીઓ દોડી આવ્યા હતા. જા કે, આ બનાવ બાદ લક્ઝરી બસનો ચાલક ઘટનાસ્થળે બસ રોકી ઊભો રહ્યો હતો. કારેલીબાગ પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ આવી પહોંચી હતી. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution