વડોદરા : કાલાઘોડા પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીમાં આજે બપોરે એક યુવાને પડતું મુક્યું હતું. આ બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને થતાં તુરત જ લાશ્કરો રબર બોટ લઇને પહોંચી ગયા હતા. અને મોતનો ભુસકો મારનાર યુવાનની શોધખોળ શરૂ કરી હતી. મગરોથી ભરપુર વિશ્વામિત્રી નદીમાં ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કાલાઘાડો બ્રિજથી બે કિલો મીટર સુધી લાપતા થયેલા યુવાનની શોધખોળ કરી હતી. પરંતુ, યુવાનનો કોઇ પત્તો મળ્યો ન હતો. 

આજે બપોરે ત્રણ વાગ્યાની આસપાસ કાલાઘોડા બ્રિજ ઉપરથી એક યુવાને વિશ્વામિત્રી નદીમાં પડતું મુક્યું હતું. ગઇકાલે જ આજવામાંથી પાણી છોડાયું હોવાથી વિશ્વામિત્રી નદીમાં ૬ ફૂટ પાણી હતું. યુવાનને નજરે જોનાર લોકોના જણાવ્યા પ્રમાણે, બ્રિજ પરથી નદીમાં કંઇક પડવાનો અવાજ આવતા જ નદી તરફ નજર કરી હતી. જેમાં એક યુવાન ડૂબી રહ્યો હોવાનું જણાતા કાલાઘોડા ખાતે ફરજ બજાવી રહેલા ટ્રાફિક બ્રિગેડના જવાનને જાણ કરી હતી. ટ્રાફિક બ્રિગેડના જવાને આવીને જોતા યુવાન ડૂબી રહ્યો હતો. જેથી તેઓએ ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો આવી પહોંચ્યા હતા.

ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી છે. નદીમાં પાણીનો પ્રવાહ હોવાથી લાપતા યુવાન દૂર સુધી તણાઇ ગયો હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, વિશ્વામિત્રી નદીમાં મગરોની સંખ્યા વધુ હોવાથી ફાયર બ્રિગેડ દ્વારા મગરોના હુમલાથી બચીને લાપતા યુવાનને શોધખોળ કરવાની ફરજ પડી હતી. ફાયર બ્રિગેડના લાશ્કરો દ્વારા કાલાઘોડા બ્રિજથી બે કિલો મીટર સુધી શોધખોળ કરી હતી. પરંતુ, ત્યાં સુધી તણાઈ ગયેલા યુવાનનો કોઈ પત્તો મળ્યો ન હતો.

આજે બપોરે કાલાઘોડા બ્રિજ ઉપરથી પડતું મુકનાર યુવાને બ્લૂ કલરનો શર્ટ અને સ્કાય બ્લ્યુ કલરનો પેન્ટ પહેરેલ છે. કાલાઘાડો બ્રિજ ઉપરથી પસાર થતાં વાહન ચાલકોને વિશ્વામિત્રી નદીમાં કોઇ યુવાને પડતું મુક્યું હોવાની જાણ થતાં, કુતૂહલવશ બ્રિજ ઉપર જોવા ઉભા થઇ ગયા હતા. એક તબક્કે પોલીસને ટોળે વળેલા લોકોને દૂર કરવાની ફરજ પડી હતી. આ બનાવે ચકચાર જગાવી મુકી હતી.