આણંદ: બોરસદના ડભાસી પાસે ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો શું હતુ કારણ
06, ફેબ્રુઆરી 2021

આણંદ-

આણંદ જિલ્લાના બોરસદ-ડભાસી હાઈવે પર નાળું બનાવવાની માંગ સાથે કરવામાં આવેલા ચક્કાજામ બાદ પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જે બાદ પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કર્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, આણંદના વાસદ-બગોદરા સિક્સ લેસ હાઈવે પર આવેલા ડભાસી ગામ નજીક સ્થાનિક રહીશો દ્વારા નાળું બનાવવાની માંગ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. આ અંગેની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જે બાદ સ્થાનિક ગ્રામજનો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના પરિણામે ટોળાને વિખેરવા માટે પોલીસને લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતા. હાલ પોલીસ દ્વારા અહીં જંગી કાફલો ખડકી દેવામાં આવ્યો છે અને માહોલ તનાવપૂર્ણ છે

અત્રે ઉલેલ્ખનીય છે કે બોરસદ તાલુકાના ડભાસી ગામે વાસદ-બગોદરા સિક્સ લેન રોડ પર અવરજવર માટે એન્ટ્રી પોઇન્ટ ના હોવાથી ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તાજેતરમાં જ ડભાસીના ગ્રામજનો દ્વારા સિક્સ લેન પર જવા માટે પ્રવેશ પોઇન્ટ આપવાની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. આમ છતાં સમસ્યાનું કોઈ સમાધાન નહીં આવતા આજે ચક્કાજામ કરવામાં આવ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution