આણંદ : ખંભાત તાલુકાના નવી માલાસોની મુકામે નટુભાઇ મકવાણા ધર્મપત્ની રંજનબેન અને ૫ સંતાનો સાથે રહેતાં હતાં. ૨૫ માર્ચ, ૨૦૧૫ને બુધવારના રોજ નટુભાઈનું અવસાન થતાં સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. બાદમાં એકાએક ૧૨ જૂન, ૨૦૧૯ના બુધવારે માતા રંજનબેન પણ દેવલોક પામ્યાં હતાં. નાનીવયે ૪ દીકરીઓ અને ૧ દીકરાએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. હાલ આજુબાજુ રહેતાં ગ્રામજનો અને મદદકર્તાઓના સહારે પાંચેય સંતાનો જીવન ગુજારી રહ્યાં છે. ઘર પણ ધરાશયી થઈ ગયું હોવાથી આ અનાથ બાળકોને રહેવા માટે ઘર ન હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ પણ ભરાયાં, પરંતુ અફસોસ પંચાયતી રાજમાં સ્થાનિક રાજકારણ અને અંદરોઅંદરના ડખાને લીધે નિરાધાર સંતાનોને લાભ મળ્યો ન હતો. નિરાધાર સંતાનોને રહેવા માટે ઘર ન હોવાથી ચારેય બાજુ તાડપત્રી બાંધી ચોમાસામાં પણ મજબૂરીવશ રહી જીવન જીવી રહ્યાં છે. ગામના લોકો જ સંતાનોનો આધાર બની રહ્યાં છે. અચાનક ગામના યુવા રાજેશભાઇ ભરવાડની કેતુલભાઇ પટેલ સાથે મુલાકાત થઈ હતી અને આ માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર સંતાનોની પરિસ્થિતિથી વાકેફ કરાયાં હતાં. જે વાત અંતે આણંદના સાંસદ મિતેષ પટેલના ધ્યાનમાં આવતાં તેઓ ખંભાતના નવી માલાસોની ગ્રામજનોની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર પાંચેય સંતાનો ઘરમાં રહી શકે તે માટે સ્વખર્ચે ર્ઘિંરનું ઘર’ બાંધી આપવા ભૂમિપૂજન પણ કર્યું હતું. તેમજ સંતાનોને અનાજ કરિયાણાની કિટ પણ આપી હતી. આણંદ સાંસદના હસ્તે જૂની માલસોની પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું. તેમજ ગ્રામજનો સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ અંગે આણંદના સાંસદ મિતેષ પટેલે જણાવ્યું હતું કે, મને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા મારફતે રજૂઆત મળી હતી કે, ખંભાત નવી માલાસોની ખાતે નાનપણથી સંતાનોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે. અનાથ સંતાનો પૈકી ૪ દીકરીઓ અને ૧ પાંચ વર્ષીય દીકરો છે. જેઓને રહેવા માટે ઘર નથી. રહેવા માટે ઘણી તકલીફ પડે છે. સરકારી યોજનામાં ઝડપથી બને શકે તેમ ન હોવાથી મેં સ્વ ખર્ચે અનાથ બાળકોને ર્ઘિંરનું ઘર’ મળી રહે તે હેતુસર મારી ફરજ અદા કરી છે. શુભેચ્છા મુલાકાત દરમિયાન સાંસદ મિતેષભાઈ પટેલ સાથે જિલ્લા પંચાયત સભ્ય બિપિનભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ-ઉપપ્રમુખ, ખંભાતના ધારાસભ્ય મયુરભાઈ રાવલ, કેતુલભાઈ પટેલ, રાજેશભાઇ ભરવાડ, પુનાભાઈ ભરવાડ, ગોપાલભાઈ રબારી, ગ્રામજનો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.