05, નવેમ્બર 2023
રાજકોટ,તા.૫
રાજકોટ શહેરમાં આંગણવાડીની મહિલાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર રાજકોટ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરની આંગણવાડીની મહિલાઓ હજારોની સંખ્યામાં જાેવા મળી હતી. મહિલાઓએ જિલ્લા પંચાયત ચોકથી સિવિલ હોસ્પિટલ ચોક સુધી થાળી-વેલણ વગાડી રેલી યોજી હતી અને લઘુતમ વેતન સહિતના મુદ્દે સરકારને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ કામ માટે બહેનોએ મોબાઈલને લઈને પણ વાત સાથે વિવિધ માંગો તાત્કાલિક ધોરણે પુરી કરવામાં આવે તેવી માંગ કરી હતી. જામનગર જિલ્લામાંથી આવતા રામાવત કોમલબેને જણાવ્યું હતું કે, અમારી કામગીરીમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. જેની સામે પગાર વધારવા સહિતની અમારી કોઈપણ માગનો ઉકેલ લાવવામાં આવતો નથી. લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવામાં આવે તેમજ સરકારી કામગીરી કરવા માટે મોબાઈલ આપવામાં આવે તે સહિતની માગ ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી છે, પરંતુ આ અંગે કોઈ પગલાં નહીં લેવાતા આજે થાળી-વેલણ વગાડી સરકારને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે. ગુજરાત આંગણવાડી સંગઠનનાં રાજ્યનાં ઉપપ્રમુખ સંગીતા દવેએ જણાવ્યું હતું કે, આજના આ વિરોધ પ્રદર્શનમાં સૌરાષ્ટ્રનાં ૭થી ૮ જિલ્લાના આંગણવાડીના કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા છે. અમારી પડતર માંગણીઓ ઘણા સમયથી સ્વીકારવામાં આવી નથી. જેમાં માનદ વેતન દૂર કરી લઘુતમ વેતનમાં અમારો સમાવેશ કરવો, કર્મચારીઓને સારા મોબાઈલ આપવા અને અમારા બાકી બિલો પગારની સાથે ચૂકવવામાં આવે તેનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે જણાવ્યું કે, આંગણવાડી કાર્યકર તેમજ હેલ્પર બહેનોને કાયમી કર્મચારી ગણવા જાેઈએ. હાલ માત્ર ૧૦ હજાર માનદ વેતન છે. જેનાં બદલે ૨૧,૦૦૦ લઘુત્તમ વેતન આપવામાં આવે તેમજ ૬૦ વર્ષની વય મર્યાદા લાગુ કરવામાં આવે તેવી અમારી માગ છે. આ માગો અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ પગલાં લેવાયા નથી. તેને લઈને આજે થાળી-વેલણ વગાડી રેલી યોજવામાં આવી છે. તેમજ ઘોર નિંદ્રામાં સુતેલી સરકારને જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો છે.