24, મે 2021
લોસ એન્જેલસ
ફિલ્મ-અભિનેત્રી અને સામાજિક કાર્યકર ઍન્જલિના જોલી ગુરુવારે ‘વર્લ્ડ બી ડે’એ ખૂબ ચર્ચામાં હતી. એ દિવસે ‘વિશ્વ મધમાખી દિન’ હોવાથી ઍન્જલિનાને અનેક મધમાખીઓ સાથે થોડી વાર રહેવાનું મન થઈ ગયું હતું અને તેણે ડેન વિન્ટર્સ નામના નવાસવા બીકીપર (મધમાખીઓની સારસંભાળ રાખનાર)ને ફોટોશૂટ માટે બોલાવ્યો હતો. ડેનભાઈ તો અસંખ્ય મધમાખી લઈને આવી પહોંચ્યા હતા. ઍન્જલિના આ ફોટોશૂટ માટે મગાવેલો ખાસ ડ્રેસ પહેરીને ઊભી રહી ગઈ હતી અને મધમાખીઓને પોતાના શરીર પર આવવા દીધી હતી. તે કૅમેરા સામે ઊભી હતી અને એક પછી એક મધમાખી તેના શરીર પર ફરવા માંડી હતી. અમુક મધમાખી તો તેની આંખ અને કપાળ સુધી પહોંચી ગઈ હતી. કોઈકે ઍન્જલિનાના ગાલ પર પડાવ નાખ્યો હતો તો કોઈએ મોઢા નીચે મુકામ કર્યો હતો. તેના ખભા અને છાતી પર તો અનેક મધમાખી ઘણી વાર સુધી બેઠી રહી હતી.

જણાવી દઈએ કે ફોટોશૂટ નેશનલ જિયોગ્રાફિકના સહયોગથી કરવામાં આવ્યું હતું. હેરાન કરનારી વાત એ રહી કે એન્જેલિનાના શરીર પર ૧૮ મિનિટ સુધી મધમાખી ચિપકેલી રહી હતી. ડૈન વિંટર્સના અનુસાર, મધમાખીઓને શાંત રાખવા માટે અને તે એન્જેલિનાને નુકસાન ન પહોંચાડે, એ વાત પર ઘણું ધ્યાન આપવામાં આવ્યું હતું. ઘણી યોજનાઓ અને સાવધાની સાથે આ ફોટોશૂટ કરવામાં આવ્યું. નેશનલ જિયોગ્રાફિકે સત્તાવાર ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એન્જેલિનાની તસ્વીર અને વીડિયો શેર કર્યો છે. સાથે જ ફોટોશૂટ પાછળ લાગેલી મહેનતનું પણ વર્ણન કર્યું છે. વીડિયોમાં તમે જોઈ શકશો કે એન્જેલિનાના શરીર પર હજારો મધમાખીઓ ચાલી રહી હોય છે અને તે ફક્ત એકવાર પોતાનું મોઢું અને ગર્દન હલાવે છે.મધમાખીઓ સાથેના ફોટોશૂટના અનુભવ વિશે એન્જેલિનાએ કહ્યું, ‘હાલ આપણી આજુબાજુ દુનિયામાં જ્યાં જોઈએ ત્યાં તકલીફો જ છે. મધમાખી ઉછેર એક વસ્તુ છે જે તકલીફ આપણે મેનેજ કરી શકીએ છીએ.’ હાલમાં જ એન્જેલિના જોલીને વુમન ફોર બીઝ માટે ‘ગોડમધર’નું ટાઈટલ આપવામાં આવ્યું છે. ‘વુમન ફોર બીઝ’ એ યુનેસ્કોનો ૫ વર્ષનો પ્રોગ્રામ છે.