ભચાઉ ભચાઉ-ભુજ વાયા દુધઈ ધોરમાર્ગ પર શિકરા ગામ નજીક ભયજનક ગોળાઈના કારણે અવાર-નવાર જીવલેણ અકસ્માત થતા રહે છે. જેના નિવારણ અંગે સ્થાનિક આગેવાનો દ્વારા તંત્ર સમક્ષ અનેક રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ હજુ સુધી તેનો કોઇ ઉકેલ ના આવતા આજે શુક્રવારે સવારે એકલ મંદિરના મહંત દેવનાથ બાપુ અને કુંભારડી ગામના સરપંચની રાહબરી હેઠળ ચક્કાજામનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ વેળાએ સ્થાનિક પોલીસ દ્વારા સમજાવટના પ્રયાસો હાથ ધરાયા હતા. આ દરમિયાન જિલ્લા ભજપ પ્રમુખ કેશુ પટેલ પસાર થતા તેમણે યોગ્ય કરવાની ખાતરી આપતા આંદોલન સમેટાઇ ગયું હતું. આ વિશે કુંભારડી ગામના સરપંચ દેવસી રબારીએ જણાવ્યું હતું કે, ભચાઉ-ભુજ રાજ્ય ધોરીમાર્ગ પરના કાગેશ્વર મહાદેવ મંદિર પાસે, ટોલટેક્ષ બાજુમા ભયંકર ગોલાઈ હોવાના કારણે વારંવાર જીવલેણ અકસ્માત થતા હોય છે. ભચાઉથી મોરગર સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં પણ હોવાથી અહીં નાના-મોટા અકસ્માત થતા રહે છે. આ બાબતે અનેક વખત કુભારડી ગામના લોકોએ તંત્ર સમક્ષ રજૂઆતો કરી છે. પરંતુ વહીવટી તંત્રે આજ દિવસ સુધી કોઈ ધ્યાન આપ્યું નથી. જેના સંદર્ભે આજે માર્ગ પર ચક્કાજામ કરવો પડ્યો હતો. આ વેળાએ એકલધામ મંદિરના મહંત યોગી દેવનાથ બાપુ તેમજ આસપાસ લોકો જાેડાયા હતા. વિશેષ ચક્કાજામ શરૂ થતાની સાથે જ ભાજપ જિલ્લા પ્રમુખ કેશુ પટેલ અહીંથી પસાર થતા તેમણે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી. જેથી આંદોલન સમેટાય ગયું હતું.