વડોદરા, તા.૨૪

નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરો દ્વારા ૨૦૦૮માં માણેજા વિસ્તારમાં દરોડો પાડી ૧૨ કરોડના ડ્રગ્સ સાથે રિચાર્ડ અને બે સાથીદારોને ઝડપી લેવાયા હતા. ત્યાર બાદ જેલમાં ધકેલી દેવાયેલા રિચાર્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઈ જવાતાં ૨૦૧૧માં રિચાર્ડ જાપ્તામાંથી ભાગી છૂટયો હતો અને સંપર્કો દ્વારા નેપાળ બાદમાં કેનેડા થઈ હોંગકોંગ ગયો હતો. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે વિદેશ મંત્રાલય સાથે સંકલન કરીને રિચાર્ડને હોંગકોંગથી વડોદરા લવાયો હતો.નાર્કોટીક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓ દ્વારા વડોદરામાં ૨૨ નવેમ્બર, ૨૦૦૮ના રોજ વડોદરાના માણેજા પાસે અંદાજિત રૂા.૧૨ કરોડના મેથાફેટામાઇન ડ્રગ્સ સાથે જીગ ફેન્ગ ઉર્ફે રિચાર્ડ, ગુનાશેખરણ પિલ્લાઇ અને રવિન્દ્ર પરપ્યાનાઓને ઝડપી પાડ્યા હતા. જેમાં ગુનાશેખરણ પિલ્લાઇ અને રવિન્દ્ર પરપ્યાનાઓ સામે કેસ ચાલી જતાં તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ અમદાવાદ ખાતે સાબરમતી જેલમાં સજા કાપી રહ્યા છે.આરોપી રિચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત રાખવામાં આવ્યો હતો. જેલમાં અલગ-અલગ આરોપીઓના સંપર્કમાં આવેલા રિચાર્ડે નાસી છૂટવાનું કાવતરું રચ્યું હતું. ૨ એપ્રિલ, ૨૦૧૧ના રોજ રિચાર્ડને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો, તે દરમિયાન પોલીસના જાપ્તાને ચકમો આપીને રિચાર્ડ ભાગી છૂટયો હતો, જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.ભાગી છૂટ્યા બાદ રિચાર્ડ તેના સાગરિતોની મદદથી નેપાળ જતો રહ્યો હતો. નેપાળથી રિચાર્ડ કેનેડા જતો રહ્યો હતો. કેનેડાથી રિચાર્ડ બોગસ પાસપોર્ટ બનાવીને હોંગકોંગ જતો રહ્યો હતો. ત્યાં જઇને તે મનીલોન્ડરીંગના ગુનામાં પકડાયો હતો. સ્થાનિક કોર્ટે તેને ૪ વર્ષ અને ૪ મહિનાની સજા ફટકારી હતી. આ અંગે જાણ થતાં જ રિચાર્ડને ભારત લાવવા માટે ૧૩, માર્ચ, ૨૦૧૨ના રોજ વિદેશ મંત્રાલય સાથે સંકલન સાધીને તેની પ્રત્યારોપણની કામગીરી શરૂ કરાઇ હતી.