અમદાવાદને પીવાનું પાણી પહોંચાડતી વડથલ રાસ્કા વિયરમાં પશુનાં મૃતદેહો!
22, જાન્યુઆરી 2021

મહુધા : મહુધા નજીક વડથલ ગામે આવેલી રાસ્કાવિયરની મુખ્ય કેનાલ દ્વારા અમદાવાદ શહેરને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. આ કેનાલમાં અવારનવાર પશુઓના મૃતદેહ તણાઈ આવતાં હોવાનું જાેવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ પશુઓનાં મૃતદેહો મહુધા તાલુકાના વડથલ નજીક સાયફનમાં ફસાઈ જાય છે.  

સ્થાનિકોના જણાવ્યાં મુજબ, મહુધા તાલુકાના વડથલ નજીક આવેલી રાસ્કા વિયર કેનાલમાં પશુઓના તણાઈને આવતાં મૃતદેહો સ્થાનિક લોકો માટે રોગચાળાની દહેશત બની ગયાં છે. વડથલના ડે.સરપંચ મહંમદહુસેન મલેકે જણાવ્યું હતું કે, કેનાલ વિસ્તારમાં ફરતાં જંગલી પશુઓ અકસ્માતે અથવા પાણી પીવા જતાં કેનાલમાં ખાબકી પડે છે. આવાં અકસ્માતોમાં મૃત્યુ પામતાં પશું કેનાલના પ્રવાહમાં તણાઈ આવે છે. વડથલ નજીક કેનાલનું લેવલ થોડું બદલાય છે. સાયફનના દરવાજા લેવલ સુધી પાણી હોવાના કારણે પશુના મૃતદેહ આગળ જઈ શકતા નથી. પરિણામે અમદાવાદ વિસ્તારમાં પીવાનું પાણી પૂરું પાડતી રાસ્કા વિયરના આ સાયફન વિસ્તારમાં દુર્ગંધનું સામ્રાજ્ય છવાઈ જાય છે. સ્થાનક લોકો દુર્ગંધથી તોબા પોકારી ગયાં છે.

તેઓએ આક્ષેપ કર્યો હતો કે, અમદાવાદ શહેર માટે જતું આ પાણી ભયંકર પ્રદૂષિત થઈને પહોંચે છે. શહેર મોટું હોવાથી આ પાણીનો ઉપયોગ મોટી જનસંખ્યા દ્વારા કરવામાં આવે તો રોગચાળો વકરવાની પૂરેપુરી દહેશત છે. કેનાલ વિભાગ દ્વારા મૂકવામાં આવેલાં ગેટમેન પાસેથી દરરોજ રિપોર્ટ મેળવીને આ પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવું જાેઈએ, તેવી માગણી પણ સ્થાનિકોએ કરી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution