01, ઓક્ટોબર 2021
અંક્લેશ્વર-
અંકલેશ્વર આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત આઝાદીનો અમૃત મહોત્સવ ની" સ્વચ્છ ભારત : ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર ૨૦૨૧ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત કરતા એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર ડો. જયશ્રી ચૌધરી એ " સ્વચ્છ ભારત " કાર્યક્રમ વિશે વાત કરી હતી. કાર્યકારી આચાર્ય ડો.હેમંત દેસાઈએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
"આઝાદીનો અમૃત મહોત્સવ"ના કોર્ડિનેટર પ્રવીણકુમાર પટેલે સત્ય અને અહિંસાના પૂજારી ગાંધીજીના જન્મ જયંતી અને ઉત્સાહભેર ઉજવણી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. અર્થશાસ્ત્ર વિભાગના વડા ડો.કે.એસ.ચાવડાએ " ગાંધીજી અને સ્વચ્છતા અને યુવાનોની ભાગીદારી " વિશે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કહ્યું હતુ કે " ગાંધીજી એક પોતળીધારી સંત હતા. અને મોહનચંદ ગાંધી થી શરૂ કરીને મહાત્મા સુધીની સફર તેમણે કરી જેમાં ભારત દેશ ને અહિંસક સ્વતંત્રતાની ભેટ તેમણે આપી. હકીકતમાં આઝાદીનો અમૃત મહોત્સવ એટલા માટે ઉજવવામાં આવી રહ્યો છે કે યુવાઓમાં આઝાદીમાં સ્વતંત્ર વીરો એ જે સમર્પણ અને ત્યાગ કર્યો હતો. તેની જાણકારી મળે અને " સ્વચ્છ ભારત " ૧ ઓક્ટોબર થી ૩૧ ઓક્ટોબર સુધીની ઉજવણી અંતર્ગત યુવાઓમાં સ્વચ્છતાના ગુણોનો વિકાસ થાય.
એન.એસ.એસ.ના સ્વયંસેવકો એ બસ સ્ટેન્ડ કે જાહેર જગ્યાએ જ્યાં કચરો દેખાય ત્યાંથી ઉઠાવીને કચરા પેટીમાં નાખવો જોઈએ અને સમાજમાં સ્વચ્છતાનો સંદેશ ફેલાવવો જોઈએ. આવા સાંકેતિક કાર્યક્રમ અંતર્ગત આપણા જીવનમાં જે સુટેવો ઘડાય છે કે જીવનભર વણાઈ જાય એ એનો હેતુ છે. સહુએ આ સ્વચ્છતા વિરોધ કુટેવો માંથી સ્વચ્છતાના સિપાહી બનીને પરિવર્તનના વાહક બનવાનું છે. આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આઝાદીના સંઘર્ષોને યાદ કરીને નૂતન ભારતની ઉજ્જવળ છબી ઉજાગર કરવાની જવાબદારી આપણા શિરે છે. " ડો. વર્ષા પટેલે " ગાંધીજીનો સાહિત્ય પર પ્રભાવ " એ વિષય પર વક્તવ્ય આપતા કહ્યું હતું કે, " સાદગી સરળતા નિખાલસતા અને આત્મશ્રદ્ધાનો રણકાર ગાંધીજીના સાહિત્યમાં જોઈ શકાય છે. સત્ય , અહિંસા , નીડરતા જેવા અનેકવિધ ગુણોને જીવનમાં ઉતારીને પોતાની જાદુઈ લાકડી ફેરવીને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે સ્વતંત્રતાનો મંત્ર ગાંધીજીએ આપ્યો હતો. આ કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ ડો. જયશ્રી ચૌધરી એ કરી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ થયા પછી તમામ વિદ્યાર્થીઓ તથા અધ્યાપકોએ રેલી કરીને સ્વચ્છતા અને ગાંધીજીને બિરદાવતા સૂત્રોચ્ચાર કરતા કોલેજ કેમ્પસ થી કોલેજ બસ સ્ટેશન સુધી પદયાત્રા કરી હતી અને આ દરમિયાન પ્લાસ્ટિક રેપર તથા કચરો વીણીને એકત્રિત કર્યા હતા. એન.એસ.એસ.ના તમામ ગ્રુપ લીડર અને ક્લાસ મોનીટર સૌએ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપ્યો હતો. કાર્યક્રમની સફળતા માટે એન.એસ.એસ પ્રોગ્રામ ઓફિસર રાજેશ પંડ્યા એ શુભેચ્છાઓ પાઠવી હતી.