વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં બેકાબૂ બનેલા કોરોનાને સરકારે ચોપડે નિયંત્રણમાં હોવાનું બતાવવા માટે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજેરોજ પ્રસિદ્ધ કરવામાં આવતી યાદીમાં કોરોનાના દર્દીઓની સંખ્યાનો ઘટાડો દર્શાવવામાં આવી રહ્યો છે તેમજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવેલા દર્દીઓની સંખ્યામાં પણ આંકડાકીય રાજરમત રમાઈ રહી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. 

આજે વધુ નવા ૧૧૫ કોરોના પોઝિટિવ કેસો સામે આવતાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા ૧૨,૨૬૫ થઈ હતી, જ્યારે કોરોનામાં સત્તાવાર મૃત્યુઆંક વધુ બે દર્દીઓને જાહેર કરતાં ૨૦૨ થયો હતો. બીજી તરફ શહેરની અલગ અલગ હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ૧૬૬૦ દર્દીઓ પૈકી ૧૪૦૭ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું તેમજ ૧૮૧ દર્દીઓ ઓક્સિજન પર, ૭૨ દર્દીઓ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. વિતેલા છેલ્લા ર૪ કલાકમાં આજે ૮૬ દર્દીઓને રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા ૧૦,૪૦૩ પર પહોંચી હતી. આજે રજા આપવામાં આવેલા દર્દીઓમાં ર૬ સરકારી હોસ્પિટલ, ર૯ ખાનગી હોસ્પિટલ અને ૩૧ હોમ આઈસોલેશનમાંથી મુક્ત કર્યા હતા. શહેરની વિવિધ હોસ્પિટલો કોરોનાની સારવાર લઈ રહેલા ૧૩ દર્દીઓનાં મોત નીપજ્યાં હતાં. આ તમામ મૃતકોની અંતિમવિધિ કોરોનાની ગાઈડલાઈન મુજબ શહેરના અલગ અલગ સ્મશાનો ખાતે કરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ આજે દિવસ દરમિયાન આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો દ્વારા શહેર અને ગ્રામ્ય વિસ્તારો વડસર, જ્યુબિલીબાગ, જીઆઈડીસી રોડ, કારેલીબાગ, મુજમહુડા, વાઘોડિયા રોડ, તાંદલજા, માંજલપુર, આજવા રોડ, ન્યુ સમા રોડ, કલાલી ફાટક, ફતેગંજ, કોઠી, એકતાનગર, વીઆઈપી રોડ, તરસાલી, વાસણા, ભાયલી તેમજ ગ્રામ્યના ડેસર, જરોદ, પાદરા, સાવલી, ડભોઈ, વરણામા, ધાવટ અને કરજણ ખાતેથી શંકાસ્પદ કોરોનાના લક્ષણો ધરાવતા ૪૪૧૭ વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાાં ૪૩૦૨ કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા, જ્યારે ૧૧૫ પોઝિટિવ આવ્યા હતા. આજે પોઝિટિવ આવેલા કેસોમાં શહેરના ચાર ઝોન તેમજ ગ્રામ્યમાં સૌથી વધુ ૪૩ ગ્રામ્યમાં ઉત્તર ઝોનમાં ર૦, દક્ષિણ ઝોનમાં ૧૯, પશ્ચિમ ઝોનમાં ૧૮ અને પૂર્વ ઝોનમાં ૧૫ કેસો નોંધાયા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે શહેરના મોટા ભાગના વિસ્તારો આજે પણ કોરોના સંક્રમિત હોય કોરોના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને કાબુમાં રાખવા માટે તંત્રએ અનેક પ્રયાસો કરવા છતા કોઈ સફળતા મળી નથી.