વડોદરા : જુદી જુદી બેન્કોમાંથી કરોડો રૂપિયાની લોન લઈ વિદેશ ભાગી છૂટેલા સાંડેસરાબંધુઓની ૧૫૦ પૈકીની એક કંપની પીએમટી મશીન્સ લિ. અંગે એક્સપ્રેશન ઓફ ઈન્ટ્રરેસ્ટની વધુ એકવાર એનસીએલટીએ જાહેરાત કરી છે. ૪૫૦ કરોડ રૂપિયાની વસૂલાત માટે રિઝોલ્યુશન પ્લાન જમા કરાવવાની અંતિમ તારીખ ૨૪ નવેમ્બર નિર્ધારીત કરાઈ છે. 

ટોચના રાજકારણીઓ અને સનદી અધિકારીઓ સાથે ઘરોબો ધરાવતા સ્ટર્લિંગ બાયોટેક કંપનીના સાંડેસરા બંધુઓએ દેશની વિવિધ બેન્કોમાંથી જુદા જુદા હથકંડા અપનાવી લીધેલી લોનના રૂપિયા ૧૭,૫૦૦ કરોડનું ફુલેકું ફેરવી વિદેશ ભાગી છૂટયા છે. પ્રજાના આ રૂપિયાનો ગેરઉયોગ સતત અને વારંવાર થયો હોવા છતાં અકળ કારણોસર બેન્કો ચૂપ રહી હતી.

પૂના ખાતે રજિસ્ટર્ડ થયેલી પીએમટી મશીન્સ લિ. સ્ટર્લિંગ જૂથની જ એક પેટા કંપની હતી. હાલોલ ખાતેના મુખ્ય પ્લાન્ટમાં ૬૦૦ જેટલા કર્મચારીઓ કામ કરતા હતા. સંચાલકો સાંડેસરા બંધુઓની લોન લઈ ફુલેકું ફેરવાવની વૃત્તિને કારણે ૨૦૧૩થી જ કંપનીની હાલત ડામાડોળ બની હતી. પરંતુ ઊંચી વગ અને સનદી અધિકારીઓ સાથેના ઘરોબોના કારણે એક યા બીજા બહાને લોન લેવા માટે ખુદ સી.એ. એવા નીતિન સાંડેસરાએ એક માયાજાળ રચી હતી જેમાં અનેક બેન્કો અને નાણાકીય સંસ્થાઓના ૧૭,૫૦૦ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું હતું.

પીએમટી મશીન્સ લિ.ના ડાયરેક્ટરોમાં નીતિન જે.સાંડેસરા, ચેતન જયંતીલાલ સાંડેસરા, મયુરી હિતેશ પટેલ, રાજભૂષણ દીક્ષિત અને અતુલકુમાર નામના ડાયરેક્ટરો હતા જે સ્ટર્લિંગ જૂથની એક પેટા કંપની હતી. માત્ર લોન લેવા માટે જ સાંડેસરા જૂથે જુદી જુદી ૧૫૦ જેટલી કંપનીઓ રજિસ્ટર્ડ કરાવી હતી, એ પૈકી કેટલીક માત્ર કાગળો પર જ હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. મહત્ત્વની વાત તો એ છે કે, લોન આપનાર બેન્કો અને નાણાકીય સંસ્થાઓ લાંબા સમય સુધી ચૂપ કેમ રહી એવા સવાલો ઊભા થયા છે.સ્ટર્લિંગ જૂથની ૧૫૦ જેટલી કંપનીઓમાં મોટાભાગે પરિવારના સભ્યોને જ ડાયરેકટર તરીકે નીમવામાં આવતા હતા. ૧૭,૫૦૦ (સાડા સત્તર હજાર) કરોડ જેવી જંગી રકમનું ફુલેકું ફેરવ્યા બાદ હાલમાં એનસીઅલટી, હાઈકોર્ટ, ઈડી અને સુપ્રીમ કોર્ટમાં જુદી જુદી કંપનીઓ સામે કાર્યવાહી ચાલુ છે ત્યારે પ્રજાના પૈસાનું કરી નાખનાર સાંડેસરા બંધુઓ પરિવાર સહિત વિદેશમાં ભાગી છૂટયા છે.

ઈન્સોલવન્સી રિઝોલ્યુશન પ્રોસેસ ફોર કોર્પોરેટ પર્સન્સ નિયમન-૨૦૧૬ અને ઈન્સોલવન્સી એનડ બેન્ક કરપ્સી નિયમન ૩૬એ હેઠળ એનસીએલટીએ પીએમટી મશીન્સ લિમિટેડ માટે અભિરૂચિની અભિવ્યક્તિ માટે આમંત્રણની જાહેરાત કરી છે. જેના ફોર્મ મેળવવાની અંતિમ તારીખ ૭ ઓક્ટોબર છે અને સબમિટ કરવાની તારીખ ૭ નવેમ્બર છે.

મુખ્ય સૂત્રધારો વિદેશ ભાગી છૂટયા

પીએમટી મશીન્સ લિ. જે સ્ટર્લિંગ જૂથની પેટા કંપની છે. એ જૂથે દેશ-વિદેશની મોટાભાગની બેન્કોમાંથી લોન મેળવી ફુલેકું ફેરવ્યું છે. બેન્કોના લિસ્ટ મુજબ બેન્ક ઓફ ઈન્ડિયા, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા, આંધ્ર બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, દેના બેન્ક, ઈન્ડિયન બેન્ક, અલ્હાબાદ બેન્ક, એચડીએફસી બેન્ક, એલઆઈસી, કેનેરા બેન્ક, એસઆરઈઆઈ ઈન્ફ્રા., એસોસિયેશન ઈન્ડસ્ટ્રીયલ ફાઈનાન્સ, એલ એન્ડ ટી ફાઈનાન્સ, ઈન્ડસ્ટ્રીયલ ડેવલોપમેન્ટ બેન્ક, એક્સપોર્ટ ઈન્પોર્ટ બેન્ક ઓફ ઈન્ડિયા સહિત અનેક સંસ્થાઓમાંથી ૧૭,૫૦૦ કરોડની લોન લીધા બાદ મુખ્ય સૂત્રધારો વિદેશ ભાગી છૂટયા હતા.

અન્ય સ્થળે આ રકમ ટ્રાન્સફર થઈ 

સ્ટર્લિંગ ગ્રૂપ ઓફ કંપનીઝ દ્વારા ભારતીય બેન્કોની વિદેશ શાખામાંથી કરોડો રૂપિયાની લોન મેળવી હતી. જેમાં કેનેરા બેન્કની લંડન શાખામાંથી ૪૭૬,૦૮,૩૭૬ ડૉલરની લોન લઈ અન્ય સ્થળે આ રકમ ટ્રાન્સફર થઈ હતી, એ વ્યવહાર શંકાના દાયરામાં આવ્યો હતો. લોનના આ કાગળોની પૂરતી તપાસ થાય તો ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે.