UPના હાથરસમાં વધુ એક કાંડઃ પુત્રીની છેડતીની ફરિયાદ કરનારા પિતાની ક્રૂર હત્યા
02, માર્ચ 2021

લખનઉ-

ઉત્તરપ્રદેશના હાથરસના નોજરપુર ગામમાં પુત્રી સાથે છેડતી થયાની ફરિયાદ નોંધાવનાર પિતાની સોમવારે સાંજે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જાણવા મળી રહ્યું છે કે આરોપી છેડતીનો કેસ પાછો ખેંચવા માટે પીડિત પરિવાર પર દબાણ કરી રહ્યો હતો. મૃતકની પુત્રીએ ૬ લોકો સામે કેસ દાખલ કરાવ્યો છે; તેમાંથી એકની ધરપકડ કરી લેવામાં આવી છે.

મૃતક અમરીશ (૫૨)ના પરિવારે પોલીસને જણાવ્યું હતું કે આરોપી ગૌરવ સાથે તેમના પરિવારની જૂની દુશ્મનાવટ ચાલી રહી હતી. સોમવારે અમરીશની પુત્રી અને આરોપી ગૌરવની પત્ની-માસી ગામના મંદિરે પૂજા કરવા ગયાં હતાં; ત્યાં આ મહિલાઓ વચ્ચે ઝગડો થયો હતો. સાંજે અમરીશ પોતાના ખેતરમાં બટાકા કાઢી રહ્યો હતો. તેની પત્ની પુત્રી સાથે ભોજન લઈને ખેતરે પહોંચી હતી. આ દરમિયાન આરોપી ગૌરવ પોતાના ત્રણ મિત્રો સાથે ત્યાં આવી પહોંચ્યો અને અમરીશ પર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં ઘાયલ અમરીશને સારવાર માટે હાથરસ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા. એસપી વિનીત જયસ્વાલના જણાવ્યા પ્રમાણે, અમરીશે ૧૬ જુલાઈએ ગામમાં જ ગૌરવ શર્મા સામે પુત્રી સાથે છેડતી કર્યાની ફરિયાદ દાખલ નોંધાવી હતી. આ મામલામાં ગૌરવ ૧૫ દિવસ સુધી જેલમાં રહ્યો હતો. જામીન પર બહાર આવ્યા બાદ તે અમરીશ પર કેસ પાછો ખેંચવા માટે દબાણ કરી રહ્યો હતો.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution