ભુજ, પાકિસ્તાનને વ્યૂહાત્મક રીતે દરેક રીતે મદદ કરી રહેલા ચીનને પાક. સરકારે કચ્છની સરહદ નજીક ચીનની કંપનીને ફાળવેલી જમીન પર દિવાળી ટાણે હિલચાલ દેખાઇ હતી. ભારતીય ગુપ્તચર એજન્સીનાં અમુક સૂત્રના અહેવાલ પ્રમાણે દલદલવાળી, ખરાબાની જમીન પર ચીનની કંપનીના અધિકારીઓએ મોટરકારના કાફલા સાથે આંટો માર્યો હતો અને આ કાદવયુક્ત જમીનની ચોમાસા પછી કેવી પરિસ્થિતિ છે એનું નિરીક્ષણ કર્યું હતું. ચોમાસા બાદ ઉત્તરાદી પવન ફૂંકાતાં આ જમીન પરનું પાણી સુકાવા લાગતું હોય છે. ચીનની કંપનીએ સંભવતઃ એને જ કયાસ કાઢ્યો હતો.જાેકે ત્રણ વર્ષ પૂર્વે પાકિસ્તાને ચીનની કંપનીને વિશાળ જમીન ફાળવી હતી પરંતુ ત્યાં હજુ સુધી કોઇ કામગીરી કરાઇ નથી. ચીની કંપની દક્ષિણ પાકિસ્તાનના આ દુર્ગમ વિસ્તારમાં શું કરવા માગે છે એ મુદ્દો સ્પષ્ટ થયો નથી. પાક. સાથેની આંતરરાષ્ટ્રીય સરહદના અંતિમ પિલર ૧૧૭૫થી માત્ર બાર-પંદર કિ.મી. દૂર દલદલવાળા વિશાળ જમીન ચીનને ફાળવીને આર્થિક રીતે કંગાલિયત ભોગવતું પાકિસ્તાન બદલામાં મબલક મદદ મેળવી રહ્યું છે.