રાજકોટમાં બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે
14, નવેમ્બર 2021

રાજકોટ, રાજકોટમાં છેલ્લા ત્રણ દિવસથી પોઝિટિવ કેસ આવી રહ્યા છે. આજે બપોરે શૂન્ય કેસ નોંધાયા છે. પરંતુ ગઈકાલે ૨ પોઝિટિવ કેસ નોંધાતા આ સપ્તાહમાં કુલ ૧૩ નોંધાયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલે નિવેદન આપતા જણાવ્યું છે કે, આવતીકાલથી રાજકોટમાં બસ સ્ટેન્ડ,રેલવે સ્ટેશન અને એરપોર્ટ ખાતે સ્ક્રીનીંગ અને એન્ટિજન ટેસ્ટ શરૂ કરાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્ર દ્વારા હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. રાજકોટમાં ગઈકાલે વોર્ડ નં.૮માં ર્નિમલા રોડ પર આવેલી યોગીનિકેતન સોસાયટીમાં ૫૬ અને ૫૮ વર્ષીય પ્રૌઢ સંક્રમિત થયા છે. આ સોસાયટીમાં તાજેતરમાં જ કેસો નોંધાયા હતા. તેમના પરિવારજનોએ પણ વેક્સિન લીધેલી છે અને સંપર્કમાં આવેલા લોકોના ટેસ્ટ કરવા તજવીજ કરાયાનું મનપાના આરોગ્ય વિભાગ તરફથી જાણવા મળ્યું છે. કોરોના મહામારીના સમયે ધોરાજીમાં કોરોનાના અનેક કેસો નોંધાયા હતા. શહેરના લઘુમતી વિસ્તારોમાં કોરોના રસીકરણ ઓછું થતાં તંત્ર દ્વારા ખાસ આયોજન ઘડી કાઢવામાં આવ્યું હતું અને લઘુમતી સમાજમાં કોવિડ રસીકરણ થાય, લોકોમાં ખોટી અફવાઓ દૂર થાય તે માટે રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચોધરી, જિલ્લા આરોગ્ય અધિકારીસહિતના અધિકારીઓની ટીમ શહેર ના મુસ્લીમ વિસ્તાર જેવા કે બહારપૂરા, પાચ પીરવાડી આંગણવાડી ખાતે દોડી ગયા હતા. 

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution