વડોદરા, તા.૩૧ 

ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી સમાન ગુજરાતમાં દારૂબંધી બાબતે ફેરવિચારણા કરી દારૂબંધી હટાવવાની માગ સાથે નાગરિક અધિકાર રક્ષા સમિતિ દ્વારા દેખાવો યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગુજરાતમાં છેલ્લા અઠ્ઠાવન વર્ષોથી દારૂબંધી છે પરંતુ આ દારૂબંધી ફક્ત કાગળ ઉપર જ છે જે ગુજરાતમાં દારૂ પીવાના અને વહેંચવાના નોંધાતા કેસો ઉપરથી સાબિત થાય છે. ગુજરાતના દરેક વિસ્તારમાં વર્ષોથી ગેરકાયદે દારૂનું વેંચાણ થાય છે જેનાથી દરવર્ષે હજારો કરોડોનો ભ્રષ્ટ્રાચાર થઇ રહ્યો છે ને આટલા વર્ષોના અનુભવ અને વાસ્તવિક પરિસ્થિતિ જાેતા એવું કહેવું જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે ગુજરાતમાં દારૂબંધી સદંતર નિષ્ફળ નીવડી છે હવે આપણે ખોટો દંભ છોડીને વાસ્તવિકતા સ્વીકારીને દારૂબંધીની નિતી બાબતે વહેલીતકે ફેરવિચારણા કરવી જાેઇએ. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે અને અમારી સમિતિના સર્વે મુજબ અત્યારે ગુજરાતમાં લગભગ ૬૦ લાખ નાગરિકો રેગ્યુલર અથવા તો પ્રસંગોપાત દારૂનું સેવન કરે છે. જેમાંથી ફક્ત ૭૦ હજાર નાગરિકો પાસે દારૂની પરમીટ છે અને આ પરમીટ ધારકો સરકારી લાયસન્સ ધરાવતી લીકરશોપમાંથી દારૂ ખરીદે છે બાકીના લાખો નાગરિકો ગેરકાયદે દારૂ વેંચતા લોકો પાસેથી દારૂ ખરીદે છે એટલે આ લાખો નાગરિકોને દારૂની બોટલની ત્રણ થી ચાર ગણી વધુ કિંમત ચુકવવી પડે છે તેમજ તેઓને ઘણી વખત ડુપ્લીકેટ દારૂ મળે છે જે એમના સ્વાસ્થ્યને પણ ખરાબ અસર કરે છે. ગુજરાતની દારૂબંધીથી ગુજરાત રાજ્યને દરવર્ષે લગભગ પચ્ચીસ હજાર કરોડનું પ્રત્યક્ષ અને પરોક્ષ નુકસાન થઇ રહ્યું છે