અરવલ્લી - સાબરકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન
01, સપ્ટેમ્બર 2021

અરવલ્લી -

એક મહિનાથી મેઘરાજાએ હાથતાળી આપી દીધા બાદ સાબરકાંઠા જિલ્લામાં મેઘરાજાએ પધરામણી કરતાં છેલ્લા ૪૮ કલાક દરમિયાન પોશીનામાં અઢી ઇંચ તલોદ અને પ્રાંતિજમાં બે ઇંચ, ઇડર અને વડાલીમાં એક ઇંચ તથા વિજયનગરમાં દોઢ ઇંચ અન્ય તાલુકાઓમાં ૧૨ મીમી જેટલો વરસાદ નોંધાયો હતો. જરૂરના સમયે જ વરસાદની એન્ટ્રી થતાં મૂરઝાતી મોલાતને જીવતદાન મળ્યું છે અને વાદળો છવાયેલા જોઈ ખેડૂતોમાં આશા બંધાણી છે. ગત વર્ષની સરખામણીએ જિલ્લામાં હજુ પણ ૬૧.૪૪ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે.

રવિવારે પોશીનામાં એક ઇંચ અને વિજયનગરમાં પોણો ઇંચ જેટલો વરસાદ વરસ્યા બાદ સોમવારે બપોરે તલોદમાં બે ઇંચ અને પ્રાંતિજમાં એક ઇંચ વરસાદ તૂટી પડયો હતો. મંગળવારે પોશીનામાં દોઢ ઇંચથી વધુ ઇડર, પ્રાંતિજ, વડાલીમાં અડધા ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. માલપુરમાં અને તાલુકામાં મોડી સાંજે ઉભરાણ અને બાયડના ગાબટ પંથકમાં મંગળવાર સાંજે પોણો કલાકમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે પાકોને જીવતદાન મળ્યું હતું.

ગત વર્ષની સરખામણીએ સાબરકાંઠામાં ૬૧.૪૪ % વરસાદની ઘટ

ગત વર્ષે ૩૧ ઓગસ્ટ સુધીમાં સાબરકાંઠા જિલ્લામાં ૯૭.૪૧ ટકા વરસાદ વરસી ચૂક્યો હતો તેની સરખામણીએ ચાલુ વર્ષે ૩૫.૯૭ ટકા જ વરસાદ નોંધાયો છે અને ૬૧.૪૪ ટકા વરસાદની ઘટ પ્રવર્તી રહી છે. ચાલુ સપ્તાહમાં પણ વરસાદની આગાહી બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ બન્યા બાદ ચોમાસુ ફરી સક્રિય બન્યું છે. હવામાન વિભાગના વર્તારા મુજબ ચાલુ સપ્તાહમાં સામાન્યથી માંડી મધ્યમ વરસાદ વરસતો રહેશે જે ખેડૂતો માટે સારા સમાચાર છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution