વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના વર્તમાન બોર્ડની મુદ્દત આગામી ૧૩ ડિસેમ્બરના રોજ પૂર્ણ થાય છે. ત્યારે આ ચૂંટણીનું વર્ષ હોઈ રાજકીય પક્ષો,રાજકીય પક્ષોના આગેવાનો, વર્તમાન અને પૂર્વ કાઉન્સિલરો, સામાજિક કાર્યકરો દ્વારા દિવાળી પર્વનો લાભ લઈને શહેરના પોત પોતાના વિસ્તારના મુખ્ય માર્ગો અને ક્રોસ રોડ પર દીપાવલી શુભેચછાના હોર્ડિંગો લગાવવાની હોડ જામી છે. ત્યારે હવે આવા હોર્ડિંગો સામે પણ રાજકીય અદાવત રાખીને એને નુકશાન પહોંચાડવાની હરકતો સામા પક્ષના કાર્યકરો દ્વારા શરુ થવા લાગી છે. જેમાં લાગત ભરીને લગાવેલા હોર્ડિંગોને પણ નિશાન બનાવાઈ રહયા છે. આ બાબતની તપાસ કરીને જવાબદારો સામે પગલાં લેવા માટે પોલીસમાં અરજી આપવામાં આવી છે.   

આવનાર દિવાળી અને નવવર્ષના તહેવાર નિમિત્તે અમિત ઘોટીકર તરફથી જાહેર જનતાને શુભેચ્છા પાઠવવા દાંડિયા બજાર ચાર રસ્તા ખાતે ટેમ્પરરી હોર્ડિંગ- બેનર (૧૦બાય૧૦)નું ગતરાત્રીના મારવામાં આવ્યું હતું. હિન્દૂ ધર્મના સૌથી મોટો ગણાતા દિવાળીના તહેવાર નિમિત્તે આ હોર્ડિંગ મારવામાં આવેલ છે. આજે સવારે સન્નીભાઈ પવાર દ્વારા દાંડિયા બજાર ખાતેથી પસાર થતા હતા ત્યારે હોર્ડિંગ ફાટી ગયું હતું એની નોંધ લીધી હતી.જેઓએ આ બાબતે અમિત ઘોટીકરને જાણ કરી હતી. તેઓએ આ બેનરની પાલિકામાંથી પરમિશન લઈ તેના ભાડાના પૈસા તથા ડિપોઝિટના પૈસા પણ ભર્યા હતા. જેની માન્યતા તારીખ ૧૯ નવેમ્બર સુધીની છે. તેઓ કાૅંગ્રેસ પ્રવક્તાની સાથેસાથે ઇલેક્શન વોર્ડ નંબર ૧૪માંથી કોંગ્રેસની ટિકિટના દાવેદાર પણ છે.જેને લઈને આ સમગ્ર પ્રકરણમાં કોઈ વિરોધી દ્વારા રાત્રીના સમયમાં બેનર ફાડી નાખ્યું હોવાથી તેઓએ પોલીસને અરજી કરી હતી કે વડોદરા જેવી સ્માર્ટ સિટીમાં માસ્ક ના પહેરે કે હેલ્મેટ ના પહેરે તો મેમો આપો છો ત્યારે આવા અપરાધિક કૃત્યને પકડી પાડવા દાંડિયા બજાર સિગ્નલ ખાતેના કેમેરા ચકાસી તેના રેકોર્ડિંગ કાઢી આરોપીને પકડી પાડવા તાકીદે પગલાં લે તેવી અરજી આજે રાવપુરા પોલીસ સ્ટેશનમાં કરી છે. જ્યાં ડગલે અને પગલે કેમેરા લાગેલ છે ત્યાં આ બેનર કોણ ફાડી ગયું તે કેમેરામાં ચકાસી અને આવું કૃત્ય કરનારની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી છે.

ભાજપના પ્રમુખ બદલાતા દિવાળી શુભેચ્છાના હોર્ડિંગો બદલાશે? 

ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરમાં ઠેર ઠેર પ્રજાને દિવાળીની શુભેચ્છાઓ પાઠવતા બેનરો મારવામાં આવ્યા છે. આ બેનરો ભાજપના શહેર પ્રમુખ અને સાંસદ રંજનબેન ભટ્ટના નામના મારવામાં આવ્યા છે. પરંતુ આ બેનરો અને હોર્ડિંગો લાગ્યા પછીથી એકાએક વડોદરા શહેર ભાજપના પ્રમુખપદે ડો. વિજય શાહની વરણી કરવામાં આવી હતી. ત્યારે હવે પક્ષના કાર્યકરો અને નેતાઓમાં આ હોર્ડિંગોના મામલે મુંઝવણ વધી જવા પામી છે. લાખોનો ધુમાડો કરીને બનાવેલા તોતિંગ હોર્ડિંગોને બાજુએ મૂકીને નવા મુકવાને માટે પણ સમય બચ્યો નથી. જેને લઈને હવે શું કરવું? એવી મુંઝવણ ઉભી થઇ છે.