સુરતમાં પાલિકાની સભા પહેલા આપ નાં કોર્પોરેટરોની ધરપકડ,કેટલાક ભૂગર્ભમાં ઉતર્યા!
28, જુન 2021

સુરત

સુરતમાં આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરોની ધરપકડ કરવામાં આવી.મહાનગર પાલિકાની આજે મળનારી સામાન્ય સભામાં શિક્ષણ સમિતિની ચૂંટણી બાબતે આમ આદમી પાર્ટીનાં કોર્પોરેટરો ધમાલ મચાવે તેવી પૂરેપૂરી સંભાવના હોવાથી શાસકોનાં ઈશારે પોલીસે કોર્પોરેટર પાયલ પટેલ સહિત ચાર કોર્પોરેટરોની ધરપકડ કરી છે....આમ આદમી પાર્ટીના અન્ય કોર્પોરેટરો મોબાઈલ ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને સીધા જ બપોરે 4 વાગ્યે સામાન્ય સભામાં હાજર થવાનો પ્રયાસ કરશે....સામાન્ય સભાને લઇને પોલીસ છાવણીમાં ફેરવાઈ હતી મહાનગર પાલિકાની મુખ્ય બિલ્ડીંગ.


ઉલ્લેખનીય છે કે આ પ્રકરણમાં પોલીસે આપ ના બે કોર્પોરેટર (વોર્ડ નંબર 4ના ધમેન્દ્ર વાવલીયા અને 5ના એ.કે. ધામી)ની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. જ્યારે કોર્પોરેટર પાયલ સાકરીયાની તેની ઓફીસથી પોલીસ દ્વારા અટકાયત કરી કાપોદ્રા પોલીસ સ્ટેશન લઈ જવાયા છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આજે પાલિકાની ઓફલાઈન સામાન્ય સભા છે. જો આપના તમામ કોર્પોરેટરની ધરપકડ કરાય તો સામાન્ય સભા વિપક્ષ વગર જ યોજાય તેવી સ્થિતિ નિર્માણ થઈ શકે છે.


મળતી માહિતી મુજબ પોલીસ ફરિયાદમાં સ્પષ્ટ ઉલ્લેખ કરાયો છે કે આપના કોર્પોરેટરોનું આ આયોજનબદ્ધ કાવતરું હતું. ઉમેદવાર હારી જતાં યેનકેન પ્રકારે ચૂંટણી રદ કરાવવા હુલ્લડ કર્યું હતું. કુલ 120 બેલેટ પેપરમાંથી 118 બેલેટ પેપરના આધારે ચૂંટણીમાં હાર-જીતનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે બે બેલેટ પેપર વિસંગતતાને લીધે બાકી રાખવામાં આવ્યા હતા. જેમાં આપના ઉમેદવારની હારની ખબર પડતાં આપના કોર્પોરેટરોએ ભેગા મળી મત ગણતરી પત્રક ફાડી નાખ્યું હતું. સિક્યુરિટી સ્ટાફ સામે અને મત ગણતરીમાં રોકાયેલા સિક્યુરિટી ઓફિસરના સ્ટાફ સાથે મારામારી કરી કહ્યું હતું કે, ‘તમે ગુલામ છો, તમે ચોર છો, આ લોકોની ગુલામીથી કંઇ મળશે નહીં. તમને બધાને સસ્પેન્ડ કરાવી દઇશું.’ ચૂંટણીની કામગીરીને પણ અવરોધવા માટે દસ્તાવેજો ફાડી નાખ્યા હતા અને બેલેટ પેપર ઝૂંટવી ચૂંટણી પ્રક્રિયામાં વિક્ષેપ ઉભો કર્યો હતો.


© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution