રાજકોટ-

કોરોનાની બીજી લહેરે દેશમાં હાહાકાર મચાવ્યો છે. આવા સમયે સોશિયલ મીડિયામાં છેતરપિંડીએ પણ જાેર પકડ્યું છે. રાજકોટ એલસીબીની ટીમે દેણુ દૂર કરવા માટે કોરોનામાં ઉપયોગમાં આવતી વસ્તુઓને સોશીયલ મીડિયા દ્વારા ઓનલાઇન વેચવાના નામે છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આ ગેંગે ૧૩ રાજ્યો અને ૨૧ શહેરોમાં રૂ. ૨૭.૭૪ લાખની છેતરપિંડી કરી હોવાનું ખુલ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર આ મુદ્દે જેતપુર શ્રીનાથજી ટ્રેડીંગ નામની પેઢીના માલિક રજનીકાંત દોંગાએ ફરિયાદ નોંધાવી હતી કે સોશિયલ મીડિયામાં કોઈએ તેની પેઢીના નામનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક આઇ-ડી બનાવીને કોરોનામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ વેચવાની જાહેરાત જાેઈ હતી જેમાં પલ્સ ઓક્સિમીટર, હેન્ડગ્લોઝ તેમજ અન્ય કોવીડને લગતી જરૂરી દવાઓ સસ્તા ભાવે આપવાની વાત હતી. તેથી તેણે અજાણ્યા શખ્સો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપીંડી કરતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એલસીબીની ટીમે જયવિન મંગેચા અને વહીદ અમીન રફાઈ નામના આરોપીની ધરપકડ કરી હતી.

આ આરોપીઓ એ દેણુ થઈ જતા તેમણે ઓનલાઇન ફ્રોડ કરવાનો કીમિયા અપનાવ્યો હતો. જેમાં હેન્ડ ગ્લોવ્ઝ, ઓક્સિમીટર, બાયો ડીઝલના સહિતની ચીજવસ્તીઓ જેનો હાલ કોરોના કાળ ઉપયોગમાં વધ્યો છે. તેને સોશીયલ મીડિયા દ્વારા ઓનલાઇન વેચવાના નામે છેતરપિંડી કરતી ગેંગના બે સાગરીતોની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ ગુજરાત, તેલંગણા, હરિયાણા, રાજસ્થાન સહિતના ૧૩ રાજ્યો અને ૨૧ શહેરોમાં છેતરપિંડી આચરી છે અને અગાઉ પણ અમદાવાદના વેપારી સાથે છેતરપીંડી આચરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

બન્ને આરોપી દ્વારા વેપારીઓને વિશ્વાસમાં લેવા માટે ચાર પલ્સ ઓક્સીમીટર અને બાકીના ઓક્સીમીટરના બોક્સ રાખી ઓક્સીમીટરનો મોટા જથ્થો પોતાની પાસે હોવાનો તથા નાઈટ્રાઈટ હેન્ડ ગ્લોઝ, ફ્લોમીટર, રેમડેસીવીર ઈન્જેકશનના બોકસ, રેયોન કાપડના ટાંકા તેમજ અન્ય જરૂરી દવાઓના જથ્થાના ફોટા તથા વિડીયો બનાવી સોશીયલ મીડિયામાં સસ્તા ભાવની જાહેરાત આપી તેનો સંપર્ક કરનારને અન્ય પેઢી ફેક આઈ-ડી બનાવીને ફ્રોડ કરતા હતા. બેન્ક એકાઉન્ટમાં આરોપીઓ રૂપિયા ટ્રાન્સફર કરતા હોવાથી હાલ પોલીસે બેન્ક એકાઉન્ટ સીલ કરી માહિતી મંગાવી છે.