26, જુન 2020
સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અનેક અભિનેત્રીઓ બોલીવૂડમાં સફળ થઇ ચુકી છે. ટીવી શો અને વેબ સિરીઝમાં પણ હવે સાઉથની અભિનેત્રીઓની એન્ટ્રી થઇ રહી છે. અભિષેક બચ્ચનની ડિજીટલ ડેબ્યુ 'બ્રીધ-ઇન ટુ ધ શેૈડોઝ'માં નિથ્યા મેનન પણ ખુબ મહત્વના રોલમાં છે. બેંગ્લોરની નિથ્યા અભિનેત્રી હોવાની સાથે પ્લેબેક સિંગર પણ છે. તેણે ૪૬થી વધુ મલયાલમ, તમિલ, કન્નડ, તેલુગુ ફિલ્મોમાં કામ કર્યુ છે. સાઉથની ટોચની અભિનેત્રી નિથ્યા હવે બ્રીધ સિઝન-૨ થકી ડિજીટલ ક્ષેત્રમાં કદમ માંડી રહી છે. સિરીઝના નિર્માતા એક પછી એક કલાકારના લૂક રિલીઝ કરી રહ્યા છે. નિથ્યાએ પોતાનો લૂક સોશિયલ મિડીયા પર રિલીઝ કરી સાથે લખ્યું છે કે-મમ્મી હાર નહિ માને, સિયા તને મમ્મી શોધી જ લેશે. અમેઝન પ્રાઇમ વિડીયો પર રિલીઝ થનારી આ સિરીઝમાં સિયા નામની બાળકી આસપાસ કહાની ઘુમે છે. નિથ્યાનો લૂક રિલીઝ થયો છે તેમાં તે ખુબ જ ગંભીર હાવભાવ સાથે જોવા મળી રહી છે. અમિત સાધ ઇન્સ્પેકટરની ભુમિકામાં બીજી સિઝનમાં પણ રિપીટ થયો છે. દસમી જુલાઇએ આ સિરીઝ રિલીઝ થશે.