31, જુલાઈ 2021
વડોદરા : આર્થિક વ્યવહારો ઓનલાઈન વધતાં સાયબર ક્રાઈમમાં પણ ઉછાળો આવ્યો છે. ગઠિયાઓ દ્વારા જુદી જુદી તરકીબો અજમાવીને કાર્ડધારકો કે એટીએમધારકો, નેટબેન્કિંગ ધારકોને છેતરવામાં આવી રહ્યા છે. ત્યારે બેન્ક એકાઉન્ટ ધારકનું બીજું સીમકાર્ડ ઈશ્યૂ કરાવી રૂા.૪૬ લાખની છેતરપિંડી શહેરના એક વેપારી સાથ થઈ હોવાની ફરિયાદ સાયબર ક્રાઈમ પોલીસ મથકે નોંધાઈ છે. જેના પગલે પોલીસે છેતરપિંડી કરનાર અજાણ્યા ઈસમોની શોધખોળ હાથ ધરી છે.
સાયબર ક્રાઇમમાં નોંધાવેલી ફરિયાદમાં સંજય ચતુરભાઇ પટેલે જણાવ્યું હતું કે એ/૪૦, બાલગોપાલ ટેનામેન્ટ, સાંઇ ચોકડી પાસે, માંજલપુર પરિવાર સાથે રહું છું અને વડોદરા શહેરની મકરપુરા જીઆઈડીસી ૪૯૭/૫ નંબરમાં ક્રાઉન ફેરો એલોયસ પ્રાઇવેટ લિમિટેડની નામની કંપનીમાં પિતા સાથે વ્યવસાય કરું છું. અમે મેટલ પાઉડર બનાવીએ છીએ. તા.૨૬ જુલાઇના રોજ સાંજના સમયે મારા મોબાઇલ ફોન પર જિઓ કંપનીના નામે એક મેસેજ આવ્યો હતો - જેમાં લખ્યું હતું કે આપના દ્વારા ઈ-સીમની રિકવેસ્ટ મેસેજ દ્વારા આપવામાં આવી છે. મેસેજ જાેતાંની સાથે જ ફોન ડિસ્કનેક્ટ થઇ ગયો હતો. તેઓને વધુમાં જણાવ્યું કે, ફોન બંધ થઇ જતાં તુરંત જ જિઓ કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. કસ્ટમર કેરમાં તપાસ કરતાં મારા મિત્ર ઉમંગ બધેકાના મોબાઇલ ફોન ઉપરથી મેસેજ આવ્યો હોવાની માહિતી મળી હતી. જે અંગે તપાસ કરતાં મિત્રએ આવો કોઇ મેસેજ કર્યો ન હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે કસ્ટમર કેરમાંથી જવાબ આપવામાં આવ્યો હતો કે આ અંગે અમે કંઇ કરી શકીશું નહીં. આ અંગે જિઓ સ્ટોરમાં જવાની સલાહ આપી હતી. પરંતુ રવિવારની રજા હોવાથી જિઓના તમામ સ્ટોર બંધ હતા.
૨૬ જુલાઇના રોજ જિઓ સ્ટોરમાં મિત્ર ઉમંગ બોધેકાને મોકલીને સીમકાર્ડ લેવા માકલ્યો હતો. જેમાં આખો દિવસ પસાર થઇ ગયો હતો. રાત્રે ૯ કલાકે સીમકાર્ડ ચાલુ થયું તે પહેલાં ભેજાબાજાેએ કંપનીના એકાઉન્ટમાંથી ૧૪ વખત ટ્રાન્ઝેક્શન કરીને રૂા. ૪૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી છેતરપિંડી કરી હતી. આ અંગે બેન્ક ઓફ ઇન્ડિયાના ઝોનલ મેનેજરને રજૂઆત કરી હતી. બેંક મેનેજરે જણાવ્યું કે, તમારા આઇડી પાસવર્ડનો ઉપયોગ કરી ભેજાબાજે રૂા.૪૬ લાખ ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા છે. તમારું એકાઉન્ટ હેક થઇ ગયું છે. સાયબર ક્રાઇમે કંપની માલિક સંજય પટેલની ફરિયાદના આધારે અજાણ્યા ભેજાભાજાે સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.