ભાવનગર, ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના તાતણીયા ગામે મહિલાનું અવસાન થતાં તેમની અંતિમયાત્રા પાણીમાંથી કાઢવી પડી હતી. અંતિમયાત્રા કાઢવા માટે ટ્રેક્ટરનો ઉપયોગ કરવા ગ્રામજનો મજબૂર બન્યા છે. તાતણીયા ગામના લોકો નદીમાં પાણી આવી જતા કોઝવે પર પાણી ભરાઈ જાય છે જેથી લોકો મુશ્કેલીમાં મુકાઈ છે. તંત્ર કે સત્તાધીશો દ્વારા પાણીનો કોઇ જ નિકાલ કરવામાં ન આવતા સ્થાનિક લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી સ્થાનિકમાં હાલ ભારે રોષ જાેવા મળી રહ્યો છે.

ગામની નદીના કોઝવે પર ચોમાસામાં પાણી ભરાઈ જાય છે જેથી કોઈનું મૃત્યુ થાય તો ધસમસતા પાણીના પ્રવાહ વચ્ચે લોકોને સ્મશાન યાત્રા કાઢવી પડે છે. તેમજ બીમાર વ્યક્તિને દવાખાને લઇ જવા પણ પાણીમાંથી પસાર થવુ પડે છે. ૧૦૮ પણ ગામમાં આવી શકતી નથી. ચોમાસા દરમિયાન નદી પરના કોઝવે પાણીમાં ગરકાવ થઇ જાય છે અને રસ્તાઓ બંધ થઇ જાય છે. નોકરી ધંધા જવા માટે પણ મુશ્કેલી પડે છે તો બાળકો શાળામાં જઈ શકતા નથી. આ સમસ્યા છેલ્લા ૧૦-૧૨ વર્ષથી ચાલી આવે છે. ગ્રામજનોએ કોઈ કચેરી બાકી નહીં હોય જ્યાં તેની રજૂઆત નહીં કરી હોય! પણ તંત્રએ હજુ સુધી આ સમસ્યાનું નિરાકરણ લાવ્યું નથી. જેસર તાલુકાના તાતણીયા ગામના લોકોને દર વર્ષે આશ હોઈ છે કે સરકાર આ વર્ષે પુલ બનાવશે પરંતુ હજુ સુધી પુલ બનાવવામાં આવ્યો નથી.