શિયાળો જામતાં જ આવક વધવાના કારણે લીલોતરીના ભાવમાં ઘટાડો
28, નવેમ્બર 2022

વડોદરા, તા.૨૭

શિયાળાની અસલી મિજાજરૂપ ઠંડીનો ચમકારો વધતાંની સાથે જ લીલોતરી શાકભાજીમાં આવકમાં વધારો થતાં લીલોતરીના ભાવમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. મોટાભાગના શાકભાજી સરેરાશ ર૦ રૂપિયે કિલોની આસપાસ વેચાઈ રહ્યા છે. ડિસેમ્બર અગાઉ જ શિયાળાના અસલી મિજાજરૂપ ઠંડીના ચમકારાનો અનુભવ થઈ રહ્યો છે. જાે કે, દિવસ દરમિયાન બપોરના સુમારે થોડી ગરમીનો અનુભવ જરૂર થઈ રહ્યો છે.

શિયાળો જામતાં જ હવે લીલોતરી શાકભાજીની આવકમાં વધારો નોંધાયો છે જેની સીધી અસર ભાવ પર પડેલી જાેવા મળી રહી છે. રિંગણ, કોબીજ, ફલાવર, મેથીની ભાજી, તુવેર, વટાણા, ટામેટા જેવી શાકભાજી સરેરાશ ર૦ રૂપિયે પ્રતિકિલો વેચાતાં જાેવા મળે છે. જેથી ગરીબ-મધ્યમવર્ગને સારી એવી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. વળી શિયાળામાં લીલાં શાકભાજી ખાવા સ્વાસ્થ્ય માટે સારા છે તેથી લીલોતરીના શોખીનો હવે ગેલમાં આવી ગયા છે. ખાસ કરીને હવે લગ્નસરાની મોસમ શરૂ થઈ હોવાથી કેટરિંગવાળાઓને પણ શાકભાજીના ભાવના ઘટાડાથી રાહત થઈ છે. વળી મેથીના ભજિયાં અને ઊંધિયું ખાનારા શોખીનો હવે તેનો ટેસ્ટ માણી શકશે. રિંગણ, મેથીની ભાજી, ફલાવર, કોબીજ સહિત શાકભાજીના ભાવ સરેરાશ પ્રતિકિલો ર૦ રૂપિયા થઈ ગયો છે. જેના કારણે મોંઘાદાટ કઠોળ ખાવા કરતાં હવે લોકો લીલી શાકભાજીની હોંશે હોંશે ખરીદી કરતા જાેવા મળી રહ્યા છે.

આમ શાકભાજીના ભાવ ઘટતાં મધ્યમ વર્ગને ખાસી રાહત થઈ હોવાનું જણાઈ રહ્યું છે. જાે કે, અત્રે ઉલ્લેખનીય છે કે શાકભાજી જ્યાંથી આવે છે તેવા ગામડાંના ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા ન હોવાથી ખેડૂતોને માર પડી રહ્યો છે. ખેડૂતોને પોતાના મોલ પાણીના ભાવે વેચવાની નોબત આવી રહી છે, જેથી ખેડૂતોમાં વ્યાપક અસંતોષ પણ જાેવા મળી રહ્યો છે. કેટલાક ખેડૂતો હવે શહેરમાં સીધા જ શાકભાજીનું વેચાણ કરતા જાેવા મળી રહ્યા છે જેનો સીધો ફાયદો ગ્રાહકોને પણ થઈ રહ્યો છે અને નાગરિકોને ગુણવત્તાયુક્ત શાકભાજી પણ મળી રહી છે.

© Loksatta Jansatta 2025. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2025. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution