અમદાવાદ-

મશીનોની ખરીદી કરવા માટે એક દંપતીએ ત્રિપોલી મેનેજમેન્ટ પ્રા.લી. માંથી રૂ.17.52 લાખની લોન મેળવી બાદમાં થોડા હપ્તા ભર્યા અને બાકીના રૂ.10.70 લાખ ન ભરવા માટે ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી ત્રિપોલી મેનેજમેન્ટ પ્રા.લી.ના મેનેજરને કંપની સાથે ઠગાઈ અને વિશ્વાસઘાત થયો હોવાનું જાણવા મળતા તેમણે આ દંપતીના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા સેટેલાઈટ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી છે.

શહેરના મકરબા વિસ્તારમાં રહેતા જીગ્નેશ ઠાકર ત્રિપોલી મેનેજમેન્ટ પ્રા.લી.માં સિનિયર મેનેજર તરીકે નોકરી કરે છે. આ કંપની આરબીઆઈ દ્રારા પ્રમાણીત થયેલ નોન બેંકિંગ ફાઈનાન્સ કંપની હોવાથી જરૂરીયાત વાળા લોકોને બીઝનેસ લોન પુરી પાડે છે. દરમિયાન વર્ષ 2018માં સાંઈ ટેડ્રર્સના માલિક દર્શન મોદી અને મધુકાંતાબેન મોદી નાઓએ પોતાના ધંધાકીય હેતુ માટે પાવર લુમ મશીનોનો રૂ. 31.86 લાખનો માલ ખરીદવા હોવાથી ત્રિપોલી મેનેજમેન્ટ પ્રા.લી.માં રૂ. 17.52 લાખની લોન માટે રજુઆત કરી હતી. બીજી બાજુ જીગ્નેશભાઈની આ લોન અંગે તપાસ કરીને માલ ખરીદવા માટે રૂ.17.52 લાખની લોન પાસ કરીને આરટીજીએસ દ્રારા પૈસા આપ્યા હતા. બાદમાં આ દંપતી સમયસર હપ્તા ભરતા હતા પરંતુ અચાનક છેલ્લા એક - બે વર્ષથી હપ્તા ભરવાનું બંધ કરી દીધુ હતુ. જેથી રૂ.10.70 લાખ બાકી હોવાથી આ અંગે દંપતીને હપ્તા ભરવા માટે ફોન કર્યો ત્યારે વાયદાઓ કરવા લાગ્યા હતા. જો કે તેમના એક પણ વાયદાઓ સાચા પડ્યા ન હતા. જેથી લોનની ભરપાઈ કરવાનું કહેતા આ દંપતીઓ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા. જેથી કંપની સાથે વિશ્વાસઘાત અને ઠગાઈ થઇ હોવાની જાણ થતા જીગ્નેશભાઈએ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં દર્શન મોદી અને મધુકાંતબેન મોદીના વિરુદ્ધમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથધરી છે.