ગાંધીનગર-

ગાંધીનગરનાં વિખ્યાત સ્પોટ્‌ર્સ ઑથોરિટી ઓફ ઈન્ડિયાના તાલીમ કેંદ્ર ખાતે હેંડબોલની તાલીમ અર્થે આવેલી ૧૬ વર્ષીય ખેલાડીને લગ્ન કરવાની લાલચ આપી હરિયાણાના ૨૦ વર્ષીય ખેલાડીએ સેકટર ૧૬ના ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હોવાની સેકટર ૨૧ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ચકચાર મચી જવા પામી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મહારાષ્ટ્રના અમરાવતીની ૧૬ વર્ષીય હેન્ડબોલની સ્ટેટ લેવલની બાળ ખેલાડી ગાંધીનગર સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં ઇન્ડિયા ખાતે ટ્રેઈનિંગ માટે આવી હતી. વર્ષ ૨૦૧૯ થી જાન્યુઆરી વર્ષ ૨૦૨૧ સુધી તેની ટ્રેનિંગ હોવાથી બાળ ખેલાડી ૬ મહિના સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયાના સંકુલમાં રોકાતી હતી. આ દરમિયાન તેનો સંપર્ક હરિયાણાના રવિ નામના ખેલાડી સાથે થયો હતો. ૨૦ વર્ષીય રવિ પણ સ્પોટ્‌ર્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયામાં ટ્રેનિંગ માટે આવ્યો હતો. એક જ સંકુલમાં ટ્રેનીંગ લેતા હોવાથી મહારાષ્ટ્રની ખેલાડી અને હરિયાણાના રવિ વચ્ચે અવાર નવાર વાતચીત થતી રહેતી હતી. તે અરસામાં ખેલાડી રવિએ બાળ ખેલાડીને પોતાની જાળમાં ફસાવી અવનવી લાલચ આપતા બાળ ખેલાડી તેની વાતોમાં ભરમાઈ ગઈ હતી.

તાલીમ પૂર્ણ થયા બાદ ૧૬ વર્ષીય ખેલાડી વતન જવા માટે નીકળી હતી પરંતુ રિઝર્વેશન ન થતા તે અટવાઈ પડી હતી આ દરમિયાન હરિયાણાનો રવિ નામનો ખેલાડી તેને સેકટર ૧૬ માં આવેલ કેપિટલ ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો. અને રૂમ બુક કરાવ્યો હતો. ત્યારે ગેસ્ટ હાઉસના સંચાલકે જરૂરી આધાર પુરાવા ચકાસ્યા વિના જ નાની વયની છોકરીને લઈને આવેલા રવિને રૂમની ફાળવણી કરી દેવામાં આવી હતી.ત્યારબાદ રવિએ તેણીને લગ્ન કરવાની લાલચ આપી પોતાની વાતમાં ભોળવીને તેની મરજી વિરુદ્ધ ત્રણ વખત દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં બન્ને પોત પોતાના વતન પરત ફરી ગયા હતા. પરંતુ રવિ અને તેના વચ્ચે ટેલીફોનીક સંપર્કો ચાલુ જ રહ્યા હતા. સતત દીકરી ફોન પર વ્યસ્ત રહેતી હોવાથી તેની માતાએ શંકાના આધારે તેની પૂછપરછ કરતાં તેણે માતા આગળ સમગ્ર કહાની વર્ણવી દીધી હતી. આ સાંભળી તેની માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

આ અંગે પોતાની દીકરીને લાલચ આપી દુષ્કર્મ કરનાર હરિયાણાના રવિ નામના ખેલાડી વિરુદ્ધ અમરાવતી પોલીસ મથકમાં ઝીરો નંબરથી ફરિયાદ દાખલ કરી સેકટર ૨૧ પોલીસ મથકમાં ગુનો ટ્રાન્સ્ફર કરવામાં આવ્યો છે. આ અંગે ઈન્સ્પેક્ટર એમ બી ભરવાડે જણાવ્યું હતું કે હજી ઝીરો નંબરથી ગુનો દાખલ થયેલો છે. ફરિયાદમાં માત્ર હરિયાણાના રવિ નામના ખેલાડીએ દુષ્કર્મ આચર્યું હોવાનું જણાવાયું છે જેના પગલે સ્પોટ્‌ર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયામાં જઈ આરોપી વિશેની માહિતી એકત્ર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. તેમજ ગુનો કેવી રીતે કરવામાં આવ્યો તેની વિગતો એકઠી કરી ગેસ્ટ હાઉસ ના સંચાલકો સામે પણ કડક પગલાં ભરી કડકાઈથી પૂછપરછ કરી જરૂરી પુરાવા પણ એકઠા કરવામાં આવશે.