વડોદરા, તા.૨૦ 

વ્યાજખોર અને માથાભારે ભરવાડોએ હુમલો કરી આતંક ફેલાવ્યો હોવા છતાં હજી પોલીસ એમને ઝડપી શકી નથી ત્યારે ભોગ બનેલા યુવકમાં પરિવારજનો ભયમાં દિવસો પસાર કરી રહ્યા છે.

ઊંચા વ્યાજે વેપારીઓ અને સામાન્ય લોકોને રૂપિયા ધીરતા ભરવાડોએ ઉઘરાણી બાબતે હિંસક હુમલો કર્યો હોવાનો બનાવ બાપોદ પોલીસ મથકે નોંધાયો છે. અગાઉના પોલીસ કમિશનરએ વ્યાજખોરો સામે શરૂ કરેલી ઝુંબેશને કારણે થોડા સમય પૂરતો આવા તત્ત્વો ઉપર અંકુશ આવ્યો હતો, પરંતુ પોલીસ કમિશનર બદલાતાં જ આવા તત્ત્વો ફરીથી બેફામ બન્યા છે.

આજવા રોડ, પૂનમનગર ખાતે રહેતા આનંદભાઈ અતુલભાઈ સરાણિયાએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મિત્ર દીપકે ભરવાડ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા એ વ્યાજ સહિત ૫રત કરી દીધા હોવા છતાં લાકડીઓ અને મારક હથિયારો લઈને રવિ ઉર્ફેલાલો ભરવાડ, બેચર ભરવાડ, જગ્ગુ ભરવાડ, સવો ભરવાડ (રહે. ચાચા નહેરુનગર, આજવા રોડ) ઝઘડો કરવા આવ્યા હતા અને ગમે તેમ ગાળો બોલી હુમલો કર્યો હતો. એ દરમિયાન વચ્ચે છોડાવવા પડેલા આનંદભાઈને ભરવાડોએ લાકડીઓ અને મારક હથિયારો મારી હુમલો કરતાં ઈજાગ્રસ્ત થયેલા આનંદભાઈને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે બાપોદ પોલીસે ઈપીકો કલમ નં.૩૨૫, ૩૨૩, ૨૯૪, ૧૧૪ મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

પરંતુ બેફામ બનેલા ભરવાડો હજુ પણ પોલીસ પકડથી દુર રહેતા હુમલાનો ભોગ બનેલા યુવાનના પરિવારજનો ભયથી ફફડી રહ્યા છે. જ્યારે ઇજાગ્રસ્ત આનંદભાઇ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.