રાજકોટ, રાજકોટના રામેશ્વર ચોક પાસેની શ્રીજીનગર સોસાયટીમાં રહેતા જાણીતા એડવોકેટ ગોકાણી અને તેના પરિવારજનો પર મહિલા કોન્સ્ટેબલના પતિ અને પુત્ર સહિતના શખ્સોએ ઘાતક હથિયારોથી હુમલો કરી વાહનો અને દુકાનોમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. પોલીસે મહિલા પોલીસના પતિ જસ્મિન માઢકની અટકાયત કરી સ્કોર્પીયો કાર પણ જપ્ત કરી છે. એડવોકેટ રિપન ગોકાણી અને તેના પરિવારજનો રવિવારે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા નિવૃત્ત પીઆઇના જમાઇ અને તેનો પુત્ર સહિતના શખ્સો સ્કોર્પિયો સહિતના વાહનોમાં તલવાર ધોકા પાઇપ અને છરી સાથે ધસી ગયા હતા અને ગોકાણી પરિવારને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું, ઉશ્કેરાયેલા શખ્સોએ એડવોકેટ રીપન ગોકાણી, તેના પત્ની, પિતા મહેશભાઇ ગોકાણી અને પિતરાઇ સહિત પાંચ લોકો પર તૂટી પડ્યા હતા. હુમલો થતાં જ દેકારો મચી ગયો હતો.