વડોદરા,તા. ૬

શહેરના સંવેદનશીલ વાડી વિસ્તારમાં આવેલા ઐતિહાસિક સ્વામીનારાયણ મંદિરના પ્રવેશદ્વાર પાસે ગત રાત્રે ઈંડા-ડુંગળીનો કચરો ભરેલી થેલી ઠાલવીને કોમી એકતા ડહોળવાનો તેમજ ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ થતા હરિભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. આ બનાવની મંદિરના સ્વામી સહિત હિન્દુ સંગઠનો દ્વારા વાડી પોલીસને જાણ કરાતા પોલીસે આ કૃત્ય કોણે કર્યું છે તે દિશામાં તપાસ શરૂ કરી છે. વડતાલ સ્વામીનારાયણ સંપ્રદાયનું શહેરના વાડી વિસ્તારમાં અંદાજે ૧૪૭ વર્ષ જુનું ઐતિહાસિક શ્રી સ્વામીનારાયણ મંદિર આવેલું છે. વિશાળ પરિસરમાં આવેલા મંદિરની ચારેતરફ મુસ્લમી સમુદાયની વસ્તી છે પરંતું તેમ છતાં આ વિસ્તારમાં કોમીએકતા અને હિન્દુ-મુસ્લીમ કોમ વચ્ચે ભાઈચારો છે. જાેકે આ કોમીએકતા કોઈ કટ્ટરવાદીઓને ખુંચતી હોય તેમ ગઈ કાલે રાત્રે સ્વામીનારાયણ મંદિરના મુખ્ય ટાવરના પ્રવેશદ્વાર પાસે ચાર થેલીઓ ભરેલી વપરાયેલા ઈંડા,ડુંગળી અને લસણના તેમજ પાણીની બોટલ સહિતનો કચરો ઠાલવી દેવાતા આજે સવારે આ કચરાથી દુર્ગંધ ફેલાઈ હતી. સવારે મંદિરમાં આવતા હરિભક્તો મંદિરના પ્રવેશદ્વાર પાસે જ નોનવેજનો કચરો જાેતા તેઓની ધાર્મિક લાગણી દુભાઈ હતી. આ બનાવની જાણ થતાં જ મંદિરના સંત ઘનશ્યામસ્વામી તેમજ હિન્દુ યુવા વાહીનીના આગેવાન એડવોકેટ નરેન્દ્ર મિશ્રા તેમજ સેવકો મોટી સંખ્યામાં મંદિર ખાતે દોડી આવ્યા હતા. તેઓએ મંદિરના પ્રવેશદ્વાર પાસે રોડ પર આ રીતે કચરો ઠાલેવેલો જાેતા વાડી પોલીસને જાણ કરી હતી. વાડી પોલીસે ઘટનાસ્થળે આવી તપાસ કરી હતી અને મુસ્લીમ અગ્રણીઓ સાથે પણ આ બાબતે ચર્ચા કરી હતી. આ બનાવની તપાસ કરવા માટે સંત ઘનશ્યામસ્વામીએ વાડી પોલીસ મથકમાં અરજી કરી હતી. આ અંગે વાડી પોલીસ મથકના પીઆઈ એચ.એસ.રાઠવાએ જણાવ્યું હતું કે કોઈ વ્યકિતએ જાણીજાેઈને ધાર્મિક લાગણી દુભાવી તંગદિલી ફેલાવવા માટે આ કૃત્ય કર્યું છે પછી શેરી કુતરાઓ કચરો ભરેલી થેલીઓ ખેંચીને મંદિર પાસે લાવેલા તે દિશામાં તપાસ શરૂ કરી છે.

વાડી સ્વામીનારાયણ મંદિર પાસે ગંદકીની વારંવાર ફરિયાદો થઈ છે

વાડી સ્વામીનારાયણ મંદિરના પ્રાંગણમાં ગત રાત્રે ઠલવાયેલો નોનવેજનો કચરો પહેલી ઘટના નથી. આ અગાઉ પણ મંદિરના દિવાલ પાસે ઈંડા સહિતનો કચરો ઠાલવી તેમજ રાત્રે કટ્ટરવાદી માનસિકતા ધરાવતા તત્વો દ્વારા મંદિરના દિવાલ પર લઘુશંકા કરતા હોવાની ફરિયાદો ઉઠતા આ અંગેની હિન્દુ સંગઠનો દ્વારા પાલિકા અને પોલીસને જાણ કરાઈ હતી. તંત્ર દ્વારા તપાસ હાથ ધરાતા ચાર દિવસ સુધી પરિસ્થિતિ સારી રહી હતી પરંતું ત્યારબાદ ફરી કટ્ટરવાદી તત્વોનો ત્રાસ શરૂ થયો છે. મંદિરના દિવાલની આસપાસમાં સીસીટીવી કેમેરા ન હોઈ કેટલાક કોમવાદી તત્વો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે.